પૃષ્ઠ:Thag.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાદુના ખેલ : ૧૦૯
 


‘જેને તપાસવું હોય તે તપાસો, એક કમિટી નીમશો તો પણ ચાલશે !’

બે-ચાર ઉત્સાહી સ્ત્રીપુરુષોએ જાદુગરનાં બધાં ખીસાં તપાસ્યાં, આજુબાજુની જગા તપાસી, પડદા પાછળ પણ જોયું, નાની નાની પરચૂરણ ચીજો, પાંચ-સાત આના અને એવી નજીવી ચીજો જોવામાં આવી. તેણે કરવા ધારેલા અપૂર્વ ખેલો આ ચીજોમાંથી શી રીતે ઉપસ્થિત થશે તે અમે સમજી શક્યા નહિ.

તેણે વિનંતી સાથે નામદાર ગવર્નર સાહેબની બેઠક પાછળ કેટલેક દૂર એક નાનો કાળો પડદો બાંધવાની જરૂરિયાત જણાવી. મારી પાસે બેઠેલી અજાયબીમાં ગરકાવ થઈ ગયેલી સ્ત્રીએ મને પૂછ્યું :

‘ત્યાં શું દેખાડશે ?’

મેં કરડાકીમાં કહ્યું :

'જહાનમ'

જાદુગરે તે સાંભળ્યું અને હસીને કહ્યું :

‘ના જી, બેહિશ્ત બતાવીશ, એક સ્વર્ગીય નાચ બતાવીશ.’

ગવર્નરની બેઠક પાછળ કાળો પડદો બાંધવાની તેને રજા મળી. તેના બે માણસોએ કાળો પડદો બાંધવાની તજવીજ શરૂ કરી અને આ બાજુ જાદુગરે પોતાના બીજા ખેલ બતાવવા શરૂ કર્યા.

‘સાહેબ ! હિંદુસ્તાનના નાગ ઘણા સુંદર હોય છે.' એટલું બોલી તેણે એક મૌવર હાથમાં લીધું અને પાંચેક ક્ષણ અતિશય મધુર નાદથી તેણે તેમાં સૂર પૂર્યા. આ ગ્રામ્ય વાજિંત્રમાંથી આવી મીઠાશ નીકળી શકતી હશે એમ ભાગ્યે જ કોઈએ ધાર્યું હશે. સહુ કોઈ નાદમાં લીન બની ગયાં.

અચાનક તેણે મૌવર બંધ કર્યું અને હસતે મુખે ધીમેથી તે બોલી રહ્યો :

'જુઓ જુઓ ! સ્લિમાનસાહેબના માથા પર નાગ છત્ર ધરે !’

સહુ કોઈએ ચમકીને મારા તરફ જોયું. તે પહેલાં હું જાતે ચમકી ઊઠ્યો. હતો. એક ભયંકર કાળો નાગ મારી ખુરશી ઉપર વીંટળાઈ મારે માથે ફણા ધરી ઊભો રહ્યો હતો. જાદુગર મારી પાસે જ હતો.

નાગથી યુરોપિયનો ઘણા જ બીએ છે. મારે માથે ઝેરી કાળા નાગની પ્રાણઘાતક ફણા ફેલાયેલી જોઈ સ્ત્રીઓ અવાચક બની ગઈ અને પુરુષો પણ થરથરી ગયા. અમને બધાંને ડર લાગશે જ એવી જાણે ખાતરી રાખી હોય એમ સ્થિર પણ સહજ હસતું મુખ રાખી જાદુગર ઊભો હતો. શાંતિથી