પૃષ્ઠ:Thag.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦ : ઠગ
 

તેણે જણાવ્યું :

‘નાગનું છત્ર જેને માથે ધરાય તે મનુષ્ય અમારે ત્યાં ભાગ્યશાળી ગણાય છે. ભગવાન બુદ્ધની ધ્યાનાવસ્થામાં નાગ આવી તેમના દેહનું સૂર્યના તાપથી રક્ષણ કરતો. કૃષ્ણચંદ્રને મથુરાથી ગોકુળ જવું પડ્યું ત્યારે ઝરમર ઝરમર વરસતા મેઘથી તેમના સુંદર શરીરને રક્ષવા માટે નાગે છત્ર ધર્યું હતું. અમારા શેષશાયી ભગવાન તો નાગ ઉપર પોઢે છે અને હજાર ફણાવાળા શેષ તેમને પોતાની ફણાનું છત્ર ધરાવે છે.

આમ કહી તેણે બહુ જ પ્રેમથી નાગને મારી પાસેથી લઈ લીધો અને પોતાને ગળે એ ભયંકર પ્રાણીને વગર બીકે ભેરવ્યું. પૂર્વદેશોના વિચિત્ર દેખાવવાળા જાદુગરોની ભય પમાડતી ગહનતામાં આ નાગની માળા વધારો કરતી હતી. તેણે ફરી બોલવાનું શરૂ કર્યું :

‘આા નાગની કાળાશ કેટલી સુંદર છે ! તેમાં કેટલી ભભક ભરી છે ! આપ જરૂર માનજો કે રંગને અને સૌંદર્યને કશો જ સંબંધ નથી. કાળા દેહ નીચે સૌંદર્ય વસી શકે છે; ગોરી ચામડી સાથે કદરૂપાપણું પણ ઘણું હોય છે. નામદાર સાહેબ ! એ રંગભેદ ભુલાશે તો ઝેરભર્યો કાળો નાગ પણ આપણી છત્રછાયા કરશે. અને એ રંગભેદની દૃષ્ટિ કાયમ રહેશે તો નાગને હજાર ફણા ઊગશે, એટલું જ નહિ, તેમની જીભેજીભમાંથી ઝેર ટપકશે, તેની આંખમાંથી અગ્નિ વરસશે, અને કદી ન છૂટે એવી ચૂડમાં ભેરવી તેને છેડનારના પ્રાણ હરશે. આ છત્ર બનેલી ફેણમાં કેટલું બળ રહેલું છે ? જુઓ !’ એમ કહી તેણે ગળે ભેરવેલા નાગને જમીન ઉપર મૂકી તેના ઉપર એક ટકોરો માર્યો. શાંત અને સુંદર દેખાતા નાગે એકદમ ફણા ઊંચી કરી, વીજળીની રેખાઓ સરખી જીભ ફરકાવી, અને એ જ ફણા વડે ભયાનક ફુત્કાર કરી જાદુગરના હાથ ઉપર ધસારો કરી તેના હાથ ઉપર રાખેલા વાજિંત્રને નીચે ગબડાવી પાડ્યું.

‘સાહેબો ! આ નાગમાં અતુલ બળ છે. તેનું જીવન ઘણું લાંબું છે. અમારાં શાસ્ત્રો તો આખી સૃષ્ટિનો ભાર નાગ ઉપર ઝિલાયાનું કહે છે. તેને અનંતની ભાવના સમર્પે છે. તે સહજ ફરકે તો ધરતીકંપ થાય, જવાલામુખી ફાટી નીકળે અને પ્રલયનાં પૂર ફરી વળે. નાગને અમે દેવ માનીએ છીએ, તેને પ્રસન્ન રાખવા અમે વ્રત કરીએ છીએ, ભૂખ્યા રહીએ છીએ, તેની પ્રાર્થના કરીએ છીએ. મહેરબાન ! નાગને ખુશ રાખો, તેને દૂધ પાઓ, તેને સંગીતથી રીઝવો. તેની પાસે વાંસળીનાં મધુર નાદ ઉચ્ચારો એટલે નાગ ડોલશે, હસશે, ઝેર સમેટી લેશે અને તમારું છત્ર બની તાપ તડકો કે વરસાદથી તમારું રક્ષણ કરશે. હિંદની કાળી પ્રજાનો દેવ નાગ છે એ