પૃષ્ઠ:Thag.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાદુના ખેલ : ૧૧૧
 

ભૂલશો નહિ.’

તેની બોલવાની ઢબ ઘણી છટાદાર અને અસરકારક હતી. નાગના રૂપક નીચે તે અમો અંગ્રેજોને ઉદ્દેશી હિંદની કાળી પ્રજા સાથે કેવો સંબંધ રાખવો તેનો બોધ કરતો હોય એમ મને લાગ્યું. હિંદવાસીઓ વાતે વાતે તત્ત્વજ્ઞાની બની જાય છે. જાદુગરની રમતમાં પણ આમ તત્ત્વજ્ઞાન તરી આવ્યું જોઈ અમે બધાં આશ્ચર્ય પામ્યાં.

‘જુઓ, જુઓ !’ કહીને જાદુગરે ચારપાંચ જગાએ આંગળી દેખાડી અને ત્યાં બેઠેલાં સ્ત્રીપુરુષોની ખુરશીઓ ઉપર પાંચ-છ નાગ એકસાથે નીકળતા દેખાયા. બેઠેલાં માણસોમાં ખળભળાટ થઈ રહ્યો. કેટલાક માણસો ઊભા થઈ ગયા અને નાદથી બચી શકાશે કે કેમ તેમનો વિચાર કર્યા વગર દોડવા લાગ્યા. જાદુગર આ ગભરાટ જોઈ હસી પડ્યો.

‘નહિ નહિ, સાહેબો ! એ નાગથી ડરશો નહિ. આપ હાથમાં લઈને તેમને રમાડો, ગળામાં તેની માળા કરીને ભેરવો.'

પરંતુ નાગ સાથે રમત કરવાની કોઈની પણ હિંમત ચાલી નહિ. એટલે જાદુગરે પોતાનું મૌવર વગાડવા માંડ્યું. તેના મધુર નાદથી જેટલા સર્પ હતા તેટલા ધીમે ધીમે જાદુગરની પાસે આવી તેના પગ ઉપર, હાથ ઉપર, ગળાની આસપાસ એમ વીંટળાઈ વળ્યા. મૌવરનો મધુર નાદ જેમ સાપને ડોલાવતો હતો, તેમ તંબુમાં બેઠેલાં સર્વને ડોલાવતો હતો. સંગીત સર્વદા, મધુર છે, સમજાય અગર ન સમજાય છતાં સુરની મીઠી મોહક ગૂંથણી માનવહૃદયને જડતાથી પર લઈ જાય છે. મૌવરમાં ડોલાવવાની શક્તિ હતી, ઘેનમાં નાખવાની શક્તિ હતી. દ્રાક્ષનો શરબત હોય, તેમાં આછો ઊંઘની લહેર પ્રેરતો નશો હોય, અને તે પીતાં જેવી અસર થાય તેવી અસર મૌવરના નાદમાં હતી. જાદુગર પોતાના મૌવરને ઓળખતો હતો, તેની શક્તિ પિછાનતો હતો. ધીમે ધીમે મદિરા પાઈ તે મસ્ત બનાવતો. સાકી મદિરા પીનારની વધતી જતી પરવશતા બરાબર સમજી શકે છે. તે પ્રમાણે જાદુગરે સંગીતની મીઠી અસર નીચે ભાન ભૂલતાં સ્ત્રીપુરુષોની સ્થિતિ બરાબર સમજતો હતો. માત્ર મારા મનમાં શંકા રહ્યા કરતી હતી. આ તે ખરેખર જાદુગર છે કે જાદુગરના વેશમાં નીચે કાંઈ છળ ચાલી રહ્યો છે ? સંગીતમાં મુગ્ધ થયા છતાં હું મને પોતાને જાગતો માનતો હતો. અચાનક સંગીત બંધ થયું. નાગ અલોપ થઈ ગયા. અને જાદુગરે પોતાના આગળનો એક કાળો પડદો ઉઘાડ્યો. પડદો ઊઘડતાં જ કાંઈ અજબ ખુશબો પ્રસરી રહી અને જાદુગરે મીઠું હાસ્ય કર્યું. તેના હાસ્ય નીચે મને કોઈ અતિશય સૌન્દર્યવાન પુરુષનો ભાસ થયો અને જાણે કોઈક વખત