પૃષ્ઠ:Thag.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨ : ઠગ
 

નિહાળી હોય એવી કેટલીક રેખાઓ તેના મુખ ઉપર ઘેરાતી મારી નજરે પડી.

ફરી એકાએક સંગીત શરૂ થયું. કોઈ સારંગી છૂપી રીતે વાગતી હોય એવો ભાસ થયો. સારંગીની સાથે તબલાંનો ધીમો ઠેકો શરૂ થયો અને આ નવીન સંગીતના રણકારમાં આખું વાતાવરણ નાચી રહ્યું. વળી કાંઈ ઘૂઘરીનો છમકાર થતો સંભળાયો અને અમારી આંખ સામે કોઈક અલૌકિક સૌન્દર્યવતી સુંદર અધ્ધર આકાશમાં નૃત્ય કરતી હોય એવો દેખાવ જણાયો.

આ જાદુ અવનવો હતો. સ્વર્ગીય નાચ બતાવીશ એમ પેલા જાદુગરે ટીકાના જવાબમાં જણાવ્યું હતું તે તેણે ખરું પાડ્યું અને જોનારાઓની નવાઈનો પાર રહ્યો નહિ. સાથે કોઈક આકર્ષક ખુશબો ફેલાઈ રહી. સુંદર સંગીત, લાવણ્યમય સુંદરીનો નાચ અને મીઠા પરિમલના સંયોગથી વાતાવરણ અલૌકિક બની ગયું. જાણે પૃથ્વીથી પર વસેલા કોઈ દિવ્ય પ્રદેશનો અનુભવ અમે લેતાં ન હોઈએ !

પેલી સુંદરીનો નાચ અત્યંત મનોહર હતો. તેના નાચમાં નાગની ભાવના પ્રધાનપણે આકાર પામી રહી હતી. નાગનું હલનચલન, નાગનું ડોલન, નાગનું ચઢવું, નાગનું ઊતરવું, નાગનું ડસવું, તેના ઝેરની અસર વગેરે દેખાવોની પરંપરા તે સ્ત્રી અભિનયમાં ઉતારતી હતી. તેની પોતાની આાંખો પણ નાગના જેવી ચળકતી હતી અને બંને હાથની આંગળીઓ ઉપર પહેરેલી હીરાની વીંટીઓથી હાથને તે નાગનું મૂર્ત સ્વરૂપ સહેલાઈથી આપી શકતી હતી. નાગના ઝેરની અસરનો અભિનય તેણે કર્યો ત્યારે સહુ જોનારને તેણે લગભગ મૂર્છિત કરી નાખ્યાં. સહુને જાણે ઝેર ચઢ્યું હોય એવો ભાસ થયો. ગળે શોષ પડવાનો દેખાવ તેણે કર્યો ત્યારે તો ત્યાં બેઠેલી સઘળી સ્ત્રીઓને પોતાને ગળે હાથ ફેરવતી મેં નિહાળી ! વળી તેણે શંકરનો દેખાવ બતાવ્યો અને એ ભયંકર દેવના ગળામાં નાગની માળાઓનો શણગાર સજાવ્યો ત્યારે સર્વ જોનાર પોતપોતાના કંઠ તપાસવા લાગ્યા. સહુ કોઈ સ્વપ્નમાં હોય એમ લાગતું.

મને નવાઈ લાગી કે આ નાચ આ સ્થળે કેવી રીતે થઈ શક્યો ! મેં મારા મનનું સમાધાન કર્યું કે પેલો કાળો પડદો બાંધેલો હતો તેમાં કોઈ સ્ત્રી નાચતી હશે, અને મોટા આયના દ્વારા તેનાં પ્રતિબિંબ પાડી છેક અમારી સામે નૃત્ય થતું હોય એવી ઈંદ્રજાળ જાદુગરે ઊભી કરી હશે.

હું પણ આ નાચમાં એવો ગુલતાન બન્યો હતો કે જાદુગરનો જાદુ સમજવા મેં બહુ પ્રયત્ન કર્યો જ નહિ. સહુની સાથે મેં પણ નાચનો આનંદ