પૃષ્ઠ:Thag.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાદુના ખેલ : ૧૧૩
 

અનુભવ્યો.

છેવટે નૃત્ય બંધ થયું, સંગીત સમાઈ ગયું અને પરિમલ ઓછો થઈ ગયો. જાદુગર બધા વચ્ચે પાછો દેખાયો. કેટલાંક સુંદર સ્ત્રીપુરુષો જોઈને આપણને એવો જ ખ્યાલ આવે છે કે આપણે તેમને કોઈક વખત જોયાં છે. કોઈક મુખરેખા, આંખોનો કોઈક ચાળો, સ્મિતનો કોઈક ઇશારો આપણી કલ્પનાને ઝણઝણાવી મૂકે છે, અને આપણે એ જોયેલાં સ્વરૂપવાન માનવીઓમાં તેમની સરખામણી ખોળવા આપણને પ્રેરે છે. હું એ માનસિક ક્રિયામાં ગૂંથાઈ ગયો હતો. મને કેટલીક વારે સમજ પડી, તે નાચનાર સ્ત્રી તથા જાદુગર એ બંનેને મેં ક્યાંય જોયાં હોય એવો મને ભાસ થયો. એ નહિ તો એમને મળતાં માણસો જોયાની ખાતરી થતી હતી; પરંતુ સ્પષ્ટપણે મને કાંઈ સમજાયું નહિ.

જાદુગરને સહુએ તાળીઓથી વધાવી લીધો. આ વખતે મેં પણ તાળી પાડી. મને તાળી પાડતો જોઈ જાદુગર ઘણો જ ખુશ થયો હોય એમ લાગ્યું. વખત થઈ ગયો હોવાથી પોતાનો ખેલ બંધ કરવાની તેણે જાહેરાત આપી. સહુ કોઈએ તેને શાબાશી આપી. તેની આજુબાજુ બધાં વીંટળાઈ વળ્યાં. અને તેનું નામઠામ પૂછવા લાગ્યાં. કેટલીક સ્ત્રીઓએ તો તેને પોતાને બંગલે આવવાનું આમંત્રણ પણ આપ્યું. સહુની વચ્ચે સ્મિત કરતો જાદુગર જેને તેને યોગ્ય જવાબ આપતો હતો. જાણે તેણે કોઈ ભારે વિજય મેળવ્યો હોય એમ તેને અતિશય ચઢાવી મૂકવાની આ રીતથી મને કંટાળો આવ્યો. ગમે તેવો તોપણ એ એક જાદુગર ! અને તેને રાજકર્તા કોમનાં સ્ત્રીપુરુષો આટલું મહત્ત્વ આપે એ મારાથી સહેવાયું નહિ.

ખાણાની તૈયારી થઈ ગઈ હતી, એટલે તે બાજુએ સહુ કોઈને વાળવામાં આવ્યાં. જાદુગરને ઇનામ આપવા ગવર્નર સાહેબના સેક્રેટરી તજવીજ કરવા લાગ્યા, જેની જાદુગરે ચોખ્ખી ના પાડી.

‘હજૂરની પાસેથી ઇનામ માગવા મેં ખેલ કર્યા નથી. હું પૈસાનો ભૂખ્યો નથી. મારી કદર કરી આપે મારી કારીગરી જોઈ એ ઇનામ મને બસ છે.'

આમ કહી જાદુગરે રજા લેવા માંડી. ફરી આવતી કાલે ગવર્નર સાહેબને મળી જવા તેને આગ્રહ કર્યો, જેની તેણે હા પાડી. તંબુ બહાર સૌ કોઈ નીકળ્યાં. જાદુગરે જોતજોતામાં પોતાનો સરસામાન આટોપી રવાના કીધો. જતે જતે તેણે મને દીઠો, અને તે મારી પાસે આવ્યો.

‘સાહેબ ! આપને ક્યાંય જોયા હોય એમ લાગે છે.' મારી સાથે વગર બોલાવ્યે એક જાદુગર આવી છૂટથી વાતચીત કરે એ મને રુચ્યું નહિ.