પૃષ્ઠ:Thag.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬ : ઠગ
 


ભયંકર ઠગ-કદાવર આઝાદને જોઈ હું દંગ થઈ ગયો ! આ ઠગ અહીં ક્યાંથી ? મને તરત જ જાદુગર અને તેના ખેલ સાંભર્યા. જરૂર હાર ચોરવાનું કામ જાદુના બહાના નીચે ઠગ લોકોએ જ કર્યું છે એમ મારી ખાતરી થઈ.

વળી આઝાદે એક વખત મને ધમકી પણ આપી હતી કે તે ગવર્નરનાં બાનુના ગળામાંથી હાર કાઢી લેશે. મને તે ધમકી યાદ આવી, અને હવે ચોક્કસ ખાતરી થઈ કે હાર ચોરનાર આ આઝાદ અને તેની ટોળીના ઠગ લોકો જ હોવા જોઈએ.

મને ગુસ્સો ચડ્યો. પરંતુ હું કાંઈ બોલું તે પહેલાં જ આઝાદે જણાવ્યું:

‘કેમ સ્લિમાન સાહેબ ! નામદાર સાહેબનાં બાનુનો હાર છેવટે બધાના દેખતાં જ ચોરાયો, ખરું ?'

રાજધાનીના શહેરમાં આવું કૃત્ય કરી ઊલટું મને મહેણું આપવાનો આવો પ્રયત્ન ! આઝાદના માથામાં એક મુક્કો મારી તેને ભોંય ભેગો કરી નાખવાની મને ઇચ્છા થઈ; પરંતુ આઝાદ ઉપર એક જ મુક્કાની અસર મારા ધાર્યા પ્રમાણે થશે કે કેમ એની મને શંકા ઊપજી. એટલે મેં તેને જવાબ આપ્યો :

‘હા, અમારા બધાના દેખતાં હાર ચોરાયો. પણ એ હાર ચોરનાર મારા જ હાથમાં સપડાયો છે. અને જો એ હાર ન મળે તો તેના બદલામાં તેનો જીવ લેવાની પણ મારી તૈયારી છે.'

‘પત્તો લાગ્યો ?’ જાણે કશું જ જાણતો ન હોય એવી મુખમુદ્રા કરી પૂછ્યું : ‘કોણ હશે એ ?’

મને આ અવિનય બહુ જ ભારે પડ્યો. મેં કહ્યું :

‘હા, પત્તો લાગ્યો છે. મારી સામે જ ચોર ઊભો છે. અને હાર મળ્યા સિવાય હું તેને જવા દેવાનો નથી.'

‘મારા ઉપર શક જાય છે ?’ આઝાદે પૂછ્યું અને તે આગળ બોલ્યો : ‘હાં હાં, હું સમજ્યો. તમારો શક ખરો પડત, પરંતુ તેમ હોય તો હું અત્યારે તમારી સામે ઊભો રહ્યો ન હોત. સાહેબ ! મારા દુશ્મને આ હાર મારા પહેલાં લઈને મારી જિંદગી ધૂળ કરી નાખી છે. પરંતુ હું તેનો બદલો લઈશ. આવા લાખો હાર ચોર્યાનું માન એને મળશે તોપણ હું એ બદલો લેવો બાકી નહિ રાખું.’

તેની આંખમાંથી અગ્નિ વરસતો હોય એમ લાગ્યું. મને શંકા પડી કે રખે ને મારા હાથમાંથી બચવા ખાતર આવો વેશ તો તે નહિ કરતો હોય ? આઝાદ ફરીથી બોલ્યો :