પૃષ્ઠ:Thag.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખોવાયેલા હારનો પત્તો: ૧૧૭
 


‘હવે મને કોણ રોકનાર છે ? આખી ઠગની દુનિયા ડૂબી જાય તેની મને પરવા નથી. હવે સાહેબ ! તમને ઠગ લોકોના ત્રાસમાંથી જરૂર મુક્તિ મળશે, તમારે જાતે તકલીફ લેવાનું કારણ નથી.’

એમ કહી આઝાદ ઘોડેસ્વાર થઈ જવા લાગ્યો. મેં કહ્યું :

‘હું એમ જવા નહિ દઉં. તમારી મહેમાનગીરી મારે પણ કરવી જ જોઈએ.'

‘હજી વાર છે. પરંતુ આપ મને યાદ કરજો.’ કહી તેણે ઘોડાને એડી મારી ઘોડો ઊડ્યો. આઝાદને જવા દેવાની મારી ઈચ્છા ન જ હોય. મારો બાતમીદાર ઘોડાને વળગી પડ્યો. આઝાદને જવા દેવાની મારી ઇચ્છા ન હતી એ તે સમજી ગયો હતો, એટલે તેણે આ બહાદુરીભર્યું પગલું ભર્યું. પરંતુ એક ક્ષણમાત્રમાં તેને ઘોડાથી છૂટો કરી આઝાદ ચાલ્યો ગયો.

મને તદ્દન નવાઈ લાગી. આઝાદ અહીં ક્યાંથી ? ઠગ લોકોની ટોળી અહીં વસી હશે કે કેમ ? તેનો શો ઇલાજ કરવો ? હાર પાછો કેમ મેળવવો? એ બધા વિચારની ઘટમાળમાં પડેલો હું રાત્રે ખાણું મૂકી, એક શકદારને ગુમાવી આવી મારી ઓરડીમાં સૂતો. આજે ઊંઘ આવવાનો સંભવ જ નહોતો. એટલે મારી રોજનીશીનાં પાછલાં પાનાં ઊથલાવતો હું વખત વિતાવતો હતો.

એટલામાં મારા નોકરે મારી ઓરડીનું બારણું સહજ ખખડાવ્યું. મેં તે તરત જ ઉઘાડ્યું. મોડી રાત્રે મને આવી તકલીફ આપવા હું તેને ઠપકો આપવા જતો હતો, એટલામાં જ તેણે મને કહ્યું :

‘સાહેબ ! માફી માગું છું. પરંતુ કોઈ આદમી આપને ખાસ મળવા માગે છે. મેં સવારે આવવા કહ્યું, પરંતુ તે અત્યારે મળવા આગ્રહ કરે છે, કહે છે કે ચોરાયેલા હારનો પત્તો તે લાવ્યો છે.'

મેં તેને બોલાવી લાવવા કહ્યું. આવી રીતે હારની બાતમી આપવા મને ખોળતો આવનાર માણસ કોણ હશે તેનો હું વિચાર કરવા લાગ્યો. એટલામાં ફરી મારા નોકરે બારણું ઉઘાડ્યું, અને તેની જોડે પેલા જાદુગરે પ્રવેશ કર્યો. જાદુગરને જોઈ હું એકદમ ગુસ્સે થયો.

‘હાર ક્યાં છે ? મેં બૂમ પાડી.

‘આ રહ્યો.' કહી જાદુગરે પોતાના લૂગડામાંથી ખોવાયેલો હાર કાઢી મારી આગળ ધર્યો. મારી ખુશાલીનો પાર રહ્યો નહિ ! ખોવાયેલો હાર એ જ હતો. હું ઊઠીને તેની પાસેથી હાર લેવા ગયો. પણ તેણે પોતાની મૂઠી બીડી દીધી, અને હાથ પાછો ખેંચ્યો.