પૃષ્ઠ:Thag.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮ : ઠગ


‘હાર લાવો. મારા હાથમાં એકદમ મૂકી દો, અને પછી બીજી વાત કરો. હું તમને બદમાશોને ઓળખું છું.' મેં જોરથી જણાવ્યું.

એક આંખ મારા નોકર તરફ મિચકારી જાદુગરે જણાવ્યું :

‘હાર કેવો ? હું કાંઈ જ જાણતો નથી. અને એ ખોવાયો હોય તો આપે તે ખોળી કાઢવાનો છે. હાર હું ક્યાંથી આપું ?

હું વધારે ગુસ્સે થયો. મારા નોકરને મેં બારણું બંધ કરી બારણા આગળ જ ઊભા રહેવા હુકમ આપ્યો, અને ક્રોધથી બૂમ પાડી ઊઠ્યો :

‘મારી મશ્કરી કરો છો ? હમણાં પેલા હાથમાં હાર હતો, મને બતાવ્યો અને હવે ફરી જાઓ છો ? યાદ રાખજો, હાર મને સોંપ્યા વગર અહીંથી જીવતા નહિ જ જવાય !’

‘જુઓ સાહેબ !' તેણે અતિશય ઠંડકથી જવાબ આપ્યો, ‘જીવવુંમરવું તો ઈશ્વરના હાથમાં છે, એટલે તે બાબતની મને જરા પણ બીક નથી. પણ હું આપને બાતમી આપવા આવ્યો અને આપે જે ચીજ ખોળી કાઢવી જોઈએ તે તે જ છે કે કેમ તે સમજવા માગતો હતો, એટલામાં તો આપ પૂછયાગાછ્યા વગર તે ચીજ છીનવી લેવા માગો છો ! એ ચીજ તો હવે ઊડી ગઈ. જુઓ !’ કહી જાદુગરે પોતાની મુઠ્ઠી ઉઘાડી નાખી. તેમાંથી હાર ગુમ થઈ ગયેલો લાગ્યો. મેં એકદમ તેનો હાથ ઝાલ્યો. પણ જાદુગર સ્થિર ઊભો જ રહ્યો. તેનો હાથ મેં ઝાલ્યો તો ખરો, પરંતુ તેમાં મને ઘણું જ બળ રહેલું લાગ્યું. મેં જોર કરી હાથને ઝાટકો આપવા પ્રયત્ન કર્યો, પરંતુ પથ્થર કે લોખંડનો હાથ હોય તેમ મારાથી તે ખસેડી શકાયો જ નહિ !

‘બળજોરથી કાંઈ બનશે નહિ !' તેણે કહ્યું. ‘આપ આપના માણસને બહાર મોકલો પછી હું બધી હકીકત જણાવું. મારો જરા પણ ડર રાખશો નહિ.’

કોઈ મને ડરની વાત કરે છે ત્યારે મને અપમાન લાગે છે. શું મારા નોકરની હાજરીથી મારી હિંમત વધારે વધતી હતી ? મેં એકલાએ ઘણા ભયંકર પ્રસંગો અનુભવ્યા છે. મેં નોકરને બહાર મોકલી દીધો.

હવે આ એકાંત ઓરડીમાં હું અને જાદુગર બંને એકલા જ રહ્યા. બહાર રાત્રિનો અંધકાર અને ભયંકર શાંતિ આ પ્રસંગને વધારે ગૂઢ બનાવતાં હતાં. હાર સહેલાઈથી મળશે કે હથિયાર વાપરવું પડશે ? હથિયાર વાપર્યા છતાં પણ મને ખોવાયેલો હાર મળશે કે નહિ ? એવા એવા વિચારો એક ક્ષણમાં મને સ્ફુર્યા. જાદુગર સાથે યુક્તિ અને વિનય વાપર્યા હોત તો ? મને તરત જ મારી ભૂલ જણાઈ. શરૂઆતથી જ મારે આ જાદુગર