પૃષ્ઠ:Thag.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખોવાયેલા હારનો પત્તો : ૧૧૯
 

સાથે વિવેક સહ વર્તવું જોઈતું હતું. મેં બળ બતાવવું બંધ રાખ્યું અને જાદુગરને પાસે પડેલી એક ખુરશી ઉપર બેસવા જણાવ્યું. જરા પણ સંકોચ વગર તે ખુરશી ઉપર બેઠો, હું પણ તેના સામે બેઠો.

‘આપે મને હજી પણ ઓળખ્યો નહિ, ખરું ?’ જાદુગરે પૂછ્યું.

‘કાંઈ યાદ આવતું નથી.' મેં જણાવ્યું. ‘આપણે ક્યાં મળ્યા હતા ?’

જાદુગરે સહજ મુખ પાછળ ફેરવ્યું અને મુખ ઉપર સહજ પોતાનો હાથ ફેરવ્યો, પછી મારી સામે તેણે જોયું. તેને જોઈને હું ઊભો થઈ ગયો, આનંદથી તેને ભેટી પડ્યો.

એ સમરસિંહ હતો.

સમરસિંહ હસ્યો અને બોલ્યો :

‘સાહેબ ! આટલું પણ ઓળખી ન શક્યા ? મને તો ખેલ વખતે જ ભય લાગ્યો હતો કે મને તમે પારખી કાઢશો. હરકત નહિ, હાર મારી પાસે છે, મેં જ તે લીધો છે. એ જો મેં ન લીધો હોત તો તે આઝાદ લઈ જાત. હું તમને તે હાર પાછો આપી તમારું માન અને પ્રતિષ્ઠા વધારીશ આઝાદની પાસેથી હાર તમને કદાપિ પાછો મળી શકતો નહિ.’

એમ કહી તેણે પાછો હાર કાઢી મારા હાથમાં મૂકી દીધો. મેં તેનો ઉપકાર માન્યો. આવી મૈત્રી અને આવી વફાદારી ઠગલોકોના સરદારમાં હતી. એ જોઈ મને સાનંદાશ્ચર્ય થયું.

‘આ હાર અત્યારે જ જઈને નામદારને પહોંચાડી. હું તમારી સાથે થોડે સુધી આવીશ. પરંતુ હવે તમારે મારી સાથે લાંબી મુસાફરી કરવી પડશે. આજની રાતમાં જ નીકળવું જોઈએ. હું તમને એવી સ્થિતિ બતાવીશ કે લાંબી મુસાફરી કર્યાનો તમને પસ્તાવો નહિ થાય. આપ ઊઠો અને કપડાં પહેરો !’

સમરસિંહના બોલવામાં બળ રહેલું હતું. હું ઊઠ્યો, કપડાં પહેર્યા. અને મારા નોકરને સમરસિંહે બતાવ્યા પ્રમાણેના સ્થળે ઘોડો લઈ આવવા જણાવ્યું. હું અને સમરસિંહ રાતના અંધકારમાં નામદાર સાહેબને બંગલે જવા નીકળ્યા. ત્યાં પહોંચ્યા. એટલે સમરસિંહ બોલ્યો :

‘પરવાનગી લેઈને જવું છે કે પરવાનગી વગર ?’

‘એમ. કેમ ?’ મેં પૂછ્યું.

‘અત્યારે પરવાનગી નહિ મળે એમ મને ભય રહે છે.’

‘મને નહિ મળે ? એમ બને જ નહિ.’ એમ કહી મોટે દરવાજે ફરતા એક સિપાઈને મેં અંદર જવા દેવા જણાવ્યું.