પૃષ્ઠ:Thag.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦ : ઠગ
 


નામદાર સાહેબને અત્યારે જ વરદી આપો કે કર્નલ સ્લિમાન આપને જરૂરી કામે મળવા માગે છે.

સિપાઈને નવાઈ લાગી :

‘આપને બીજો કોઈ વખત ન મળ્યો : આટલી રાતે નામદાર સાહેબને જગાડવાની કોણ હિંમત કરશે ?'

‘તમે એમના ખાનગી કામદારને જણાવો.’ મેં કહ્યું.

‘એ પણ બનશે નહિ. સવારે આવો.' સિપાઈએ કહ્યું.

મને રીસ ચઢી. સિપાઈને ધક્કો મારી મેં દૂર કર્યો અને દરવાજાની નાની બારીમાં થઈને હું રીસ ભરેલો દાખલ થયો. સમરસિંહે સિપાઈને એટલી વાર પકડી રાખ્યો.

અંદર જઈ એકબે પહેરેગીરીને ચુકાવી મેં ખાનગી કામદારના ઓરડા આગળ જઈ બારણા ઉપર ટકોરો માર્યો. તેણે જાગ્રત થઈ ‘કોણ છે?' એમ પૂછ્યું. એ માણસ મારો દોસ્ત હતો. મેં કહ્યું :

‘જલદી બારણું ખોલ !’

‘અરે પણ કોણ છે ? અત્યારે શા માટે આવે છે ?'

‘ઈશ્વરે તને કાન આપ્યા છે; માણસના કાન તને હોત તો તું મને જરૂર ઓળખી શક્યો હોત. તું બારણું ઉઘાડ પછી હું જણાવીશ કે હું કોણ છું.’

તેણે મને ઓળખ્યો હોય એમ લાગ્યું. બારણું તરત ઊઘડ્યું, અને તેણે મને અંદર દાખલ કર્યો.

'તને બીજો કોઈ વખત ન મળ્યો, તે આમ મધરાતે આવી લોકોની ઊંઘ ખરાબ કરે છે ?' તેણે મને જણાવ્યું.

‘ગવર્નર જનરલની પાસેના માણસો દિવસે પણ ઊંઘતા જ હોય છે. નહિ તો બધાની આંખો ખુલ્લી હોવા છતાં નામદાર બાનુનો હાર ચોરાય શી રીતે ?' મેં ટીકા કરી.

‘પણ તે શું કર્યું ? તુંયે હતો જ ને ? અમે તો હાર ખોયો, પણ તું હવે ખોળી લાવે ત્યારે ખરો !’ સેક્રેટરીએ જણાવ્યું.

'મેં શું કર્યું તે હું તને બતાવું છું.' એમ કહી તેના હાથમાં મેં હાર કાઢીને મૂક્યો. જો આ હાર હું રૂબરૂ આપવા આવ્યો છું. અત્યારે હું તે મેળવી શક્યો. એની પાછળ ઘણાંની આંખ છે. માટે હું નામદાર બાનુને હાથોહાથ હાર આપવા માગું છું, અને તે અત્યારે જ આપવો જોઈએ. મારે અહીંથી તરત બહારગામ જવું પડે એમ છે.

‘અત્યારે તો બાનુને કેવી રીતે મળાશે ?' તેણે કહ્યું. સવાર સુધી