પૃષ્ઠ:Thag.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખોવાયેલા હારનો પત્તો : ૧૨૧
 

થોભી જા. સવારમાં મળીને જજે.'

‘એક એક ક્ષણ જાય છે એટલામાં ભયંકર બનાવો બનવાનો સંભવ વધતો જાય છે. બે સ્ત્રીઓની જિંદગી જોખમમાં છે. અને તેમાં એક મટીલ્ડા પણ છે.' કૅપ્ટન પ્લેફેરનો તે સગો થતો હતો, અને તેની પુત્રીના હિતમાં તે સ્વાભાવિક રીતે જ રસ ધરાવતો હતો. તે પૂરાં કપડાં પહેરી અંદરના ઓરડામાં ગયો. નામદાર બાનુને અત્યારે જગાડવાનો મહાન પ્રયત્ન તેણે કરવાનો હતો. કેટલીક નોકર બાઈઓને તેણે જગાડી; ખરોખોટો ખખડાટ કર્યો. મોટેથી વાતો કરવા માંડી. અંતે અંદરથી નામદાર સાહેબને પણ લાગ્યું કે બહાર કાંઈ ગરબડ ચાલે છે. બધાં વચ્ચેથી આજે હાર ગયો હતો. અને તેથી જ રાતે ફરીથી કોઈ ચોર વધારે તોફાન કરવા મહેલમાં ઘૂસ્યો હોય તો નવાઈ જેવું ન હતું એમ ધારી હાથમાં પિસ્તોલ લઈ તેઓએ બારણું ઉઘાડી ડોકિયું કર્યું. બાનુ પણ જાગી ગયાં હતાં. તેઓ પણ સાહેબની પાછળ આવીને ઊભાં.

સેક્રેટરીએ જાણ્યું કે પોતે કરેલી ગરબડ સફળ થઈ છે. એકદમ સાહેબની પાસે જઈ સલામ કરી તેણે જાહેર કર્યું કે હારનો પત્તો મળી ગયો છે.

બાનુ એકદમ ખુશ થયાં. રાત્રે જાગવું પડ્યું તેની તકલીફ વીસરી ગયાં. સાહેબે પણ કામદારની પીઠ ઠોકી અને પૂછ્યું :

‘ક્યાંથી જાણ્યું ?'

‘કર્નલ સ્લિમાન અત્યારે હાર લઈને જ આવ્યો છે.' કામદારે જણાવ્યું.

‘એમ ? બોલાવો બોલાવો, ખરો બાહોશ !’ કહી સાહેબે મને બોલાવવા હુકમ આપ્યો. હું પાસેના ઓરડામાંથી આ બધું સાંભળતો હતો, અને દેખતો પણ હતો. કામદારે આવી મને તેની સાથે આવવા જણાવ્યું. જતાં પહેલાં સ્વાભાવિક રીતે મેં ખિસ્સામાં હાથ નાખી જોયો. હાર હોવાની તો ખાતરી જ હતી. પરંતુ મનુષ્યની અધિરાઈ પ્રમાણે મેં હાથ નાખી જોયો તો ખિસ્સું ખાલી જ હતું !

મારું લોહી ઊડી ગયું ! જે હારને મેળવીને મેં આટલી ધમાલ કરી હતી, જે ખોવાયેલા હારને પાછો આપી શાબાશી મેળવવાની મેં સંપૂર્ણ આશા રાખી હતી, એ હાર આમ જોતજોતામાં ક્યાં ગુમ થયો તેની મને સમજ પડી નહિ. હવે હું નામદાર સાહેબને શું મોં બતાવીશ ? મેં મારી જાતને અને કામદારને કેવી કફોડી સ્થિતિમાં મૂકી દીધા હતા ? વીજળીને વેગે આ બધા વિચારો મને આવી ગયા. મેં એક ખિસ્સું તપાસ્યું, બીજું