પૃષ્ઠ:Thag.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ : ઠગ
 

સાહેબનું શું થશે તે સમજી શકો છો ?’

‘હું સમજી શકું છું માટે જ આ બાઈને વિનંતિ કરું છું. હવે જો એ વિનંતિ નહિ માને તો બળ વાપરવું પડશે.' સમરસિંહ બોલ્યો.

‘બળ વાપરવું પડશે ? શું બોલે છે ?’ કામદાર ગુસ્સે થઈ ગયો. અંગ્રેજોને ધમકાવનાર આ કાળો માણસ કોણ ? અને તેમાં પણ એક અંગ્રેજ બાઈને ?

‘હું કોણ છું તે તમે જાણો છે ?’ સુમરાએ કહ્યું.

'મને દરકાર નથી, કર્નલ ! આ માણસને અહીંથી મોકલી દે !’ કામદારે કહ્યું.

હું તો ગૂંચવાયો જ હતો - કામદાર પણ મારો દોસ્ત હતો અને સમરસિંહ પણ મિત્ર હતો.

‘મને મોકલી શકાય એવી કોઈની શક્તિ નથી. તમારા બધાયે સૈનિકોને ભલે ભેગા કરો ! હું ઠગ છું. અત્યારે જ તમારા આખા મહેલને ઉરાડી મૂકું એટલું સત્તા ધરાવું છું. આ બાઈ સ્લિમાન સાહેબની પાસેથી ચોરેલો હાર નહિ આપે તો હું આખો મહેલ બાળી મૂકીશ.’

સમરસિંહના કુમળા મુખ ઉપર અત્યારે એકદમ ભારે કઠોરતા આવી ગઈ. એકાએક પેલી અંગ્રેજ બાઈને તેણે પોતાના હાથમાં લઈ ઉપાડી. અમે સહુ વિચાર કરીએ તે પહેલાં તો તેણે દોડીને કામદારના ઓરડામાં પ્રવેશ કર્યો, અને ઓરડાનું દ્વાર બંધ કર્યું. એ શું કરશે એનો અમને ખ્યાલ ન આવ્યો. પરંતુ કામદારે તો બહુ જ ગુસ્સામાં આવી જઈ બારણાં ઠોક્યાં.

મેં કહ્યું : ‘નામદાર સૂતા હશે તે જાગશે ત્યારે ?’

‘પણ બાઈનું શું થશે ? ચાલો પેલી બાજુએથી ઓરડામાં જઈએ.’ કહી ઉતાવળથી બીજી બાજુએ જઈ કામદારે પોતાના ઓરડામાં નજર નાખી. પેલી સ્ત્રી તદ્દન નિરાશ મુખ કરી બેઠી હતી. તેના મુખ ઉપર અતિશય ગભરાટ હતો. જે જોમ અને જોર તેણે પહેલાં બતાવ્યાં હતાં તેનો અંશમાત્ર પણ તેનામાં રહ્યો નહોતો.

અમને જોઈને સમરસિંહે અમને અંદર બોલાવ્યા. ‘પધારો સાહેબો અંદર !’ ગુસ્સામાં જ કામદારે અંદર પ્રવેશ કર્યો. તેઓ બાઈની દયા ખાવા જતા હતા એટલામાં સમરસિંહે જ કહ્યું :

‘હાર જડ્યો છે -'