પૃષ્ઠ:Thag.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યા ચોર : ૧૨૭
 


મેં કહ્યું : ‘ક્યાં છે ?' હું હરખમાં આવી ગયો.

તેણે જવાબ આપ્યો :

‘આ બાઈસાહેબની પાસે જ છે. હું તો પ્રથમથી જ જાણું છું, માત્ર કબૂલ નહોતાં કરતાં. હવે એ પોતે કબૂલ કરે છે. કેમ બાઈસાહેબ ! હાર તમારી પાસે જ છે ને ?'

સહુના આશ્વર્ય વચ્ચે બાઈએ હાર પોતાની પાસે હોવાની હા પાડી.

‘જુઓ સાહેબ ! આ બાઈ પણ કબૂલ કરે છે કે હાર તેમની પાસે છે. હાર હવે જડ્યો છે. આપણી જવાબદારી ગઈ એટલે આપણે હવે જવું જોઈએ.' સમરસિંહે કહ્યું.

'પણ જ્યાં સુધી હું હાર નજરે ન જોઉં અને મારે હાથે નામદાર બાનુને ન આપું ત્યાં સુધી મને સંતોષ ન મળે.' મેં કહ્યું.

કામદારે પણ સંમતિ આપી. સમરસિંહ જરા કચવાયો અને પેલી અંગ્રેજ સ્ત્રી તરફ ફરીને તેણે કહ્યું :

'હાર લાવીને મારા હાથમાં મૂકો.’

‘હું આપી દઈશ.’

‘અપમાનને પાત્ર થવું પડશે. તમારા દેહ ઉપર જ તમે હાર સંતાડેલો છે. કાઢી નહિ આપો તો હું કપડાં તપાસીશ.’

પેલી બાઈએ પાછળ ફરી નવાઈ જેવી ઝડપથી હાર કાઢી આપ્યો. પેલો કામદાર તો વિસ્મય પામતો ઊભો જ રહ્યો; પેલા ગોરા સિપાઈનું મુખ લેવાઈ ગયું; અને બાઈ તો તદ્દન નિરાશ થઈ ગયેલી જ હતી.

‘કામદાર સાહેબ ! આ હાર આપના કબજામાં જ રાખો. આ બંને જણને એક ઓરડામાં પૂરી રાખો, અને સવારે નામદાર બાનુ ઊઠે ત્યારે તેમને હાર સોંપી દીધા પછી આ બંનેને છોડજો. આ બેમાંથી કોઈને પણ છૂટા મૂકશો તો હાર જડેલો પાછો ખોવાશે અને તેની શોધમાં હજારો ગાઉની મજલ કરવી પડશે.'

એમ કહી સમરસિંહે હાર કામદારને સ્વાધીન કર્યો. મને તેણે કહ્યું :

‘સાહેબ ! હવે જેટલી ક્ષણ છે એટલી આપણે પૂરી કરી લેવી જ પડશે. હવે ચાલો.’

મેં કામદારને કહ્યું :

‘હું હવે બેત્રણ માસ સુધી અહીં આવી શકીશ નહિ. જરૂરનું કામ છે. માટે જ મેં અત્યારે તમને તસ્દી આપવી જરૂરી ધારી.’

'આટલી રાત રહી જાઓ. મેં તો જાણ્યું કે તમારે હાથે હાર અપાવીશું.’