પૃષ્ઠ:Thag.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮ : ઠગ
 


‘એવું બનત તો હું જ આટલી રાતે શા માટે આવતો ? મને માફ કરો અને મારા તરફથી માફી માગી લઈ નામદાર સાહેબને જણાવજો !’

‘આ હિંદી ગૃહસ્થ કોણ છે ?'

‘તેઓ મારા મિત્ર છે. જોકે હજુ તેમને હું પણ પૂરા ઓળખતો નથી !’ હસતે હસતે મેં કહ્યું.

કામદારને લાગ્યું કે હું તેની ઓળખાણ કરાવવા માગતો નથી, એટલે તેણે વધારે પૂછપરછ કરી નહિ. હું આ કામે રોકાયો હતો. તે સહુ કોઈ જાણતા હતા. એટલે કેટલીક વાત ગુપ્ત રાખું તો કોઈને તેથી ખોટું લાગે એમ નહોતું.

કામદારે મારી તેમ જ સમરસિંહની સાથે હાથ મેળવ્યો - અને અમે ચાલ્યા. મને તો બહુ જ અચંબો લાગ્યો કે આ બધું એટલામાં શું થયું ? હું પૂછવા પણ માગતો હતો; તથાપિ સમરસિંહ વાત કરવા કરતાં ડગલાં ભરવા વધારે ધ્યાન આપતો હતો. એટલી ઝડપથી તેણે ચાલવા માંડ્યું કે મારા પગ થાકી ગયા, અને મારો શ્વાસ ભરાઈ આવ્યો. લગભગ કલાક સુધી ચાલી અમો શહેર બહાર નીકળી ગયા, અને એક મેદાનમાં આવી ઊભા.

‘સ્લિમાન સાહેબ ! થાક બહુ લાગ્યો, ખરું ?’

‘જરા લાગ્યો તો ખરો !’

'હજી આથી પણ વધારે થાક લાગે એમ છે. સહન થાય તો મારી સાથે ચાલો, નહિ તો અહીં જ રહી જાઓ.’

‘ના ના, હું સાથે જ આવીશ.' અભિમાને મને આગળ જવા પ્રેર્યો. વળી આ ગૂઢ મનુષ્યના સાથમાં જવાથી જાણવાનું પણ ઘણું જ મળવાનું હતું. ઉપરાંત મારી ખાસ જરૂર ન હોય તો આ માણસ મને સાથે આવવાનું કહે પણ નહિ. એ બધા વિચારો કરી મેં તેની જોડે જવાનું કબૂલ કર્યું.

મેદાનના એક ભાગમાંથી બે માણસો ઘોડા લઈ આવતા જણાયા. જોતજોતામાં ઘોડા પાસે આવ્યા.

‘સાહેબ ! આપ એક જાનવર પસંદ કરી લો.’

બંને ઘોડા ઘણા જ પાણીદાર હતા. મેં એક ઘોડો લીધો અને અમે બંને જણ સ્વાર થઈ આગળ ચલાવ્યું. જેમ જેમ મજલ કાપતા ગયા તેમ તેમ ઘોડાઓનો વેગ વધવા માંડ્યો, અને સવાર પડતાં તો કેટલી મજલ કરી હશે તે કહી શકાય એમ રહ્યું નહિ. અમને વાત કરવાની પણ તક ન મળી. સવાર થયું અને સૂર્યનાં કિરણોએ લાલાશ ફેલાવી.