પૃષ્ઠ:Thag.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યા ચોર - ૧૨૯
 


ઘોડા હજી અટક્યા જ નહિ. સમરસિંહના ઘોડાની લગોલગ જ મારો ઘોડો રહેતો હતો. એકબીજા વચ્ચે જાણે શરત થતી હોય તેમ ઘોડા દોડતા હતા. પવનવેગનો મને આજે ખરો અનુભવ થયો. ગાઉના ગાઉં જોતજોતામાં નીકળી જતા હતા. ઘોડાના વેગ આગળ બેસનારને વિચાર કરવાની་ પણ ફુરસદ ન હતી. આ વખતે મને લાગેલો થાક સમરસિંહે જોયો.

‘સાહેબ ! હવે અડચણ નથી. દસેક ગાઉની મજલ હજી લેવાની છે; ગભરાશો નહિ.

ઘોડા દોડતા જ રહ્યા. કલાકેકમાં ઝાડની ઘટાવાળું એક સ્થળ : અને સમરસિંહે ઘોડો અટકાવ્યો. સાથે મારો પણ ઘોડો ધીમો પડ્યો.

એક ઝૂંપડી. આ ઝાડની ઘટામાં દેખાઈ. તે તરફ ઘોડા વાળ્યા.

ધીમે રહી ઝૂંપડીનું બારણું ખોલી એક માણસ બહાર આવ્યો. તેણે સમરસિંહને કોઈ વિચિત્ર રીતે સલામ કરી. સમરસિંહ અને હું બંને ઘોડા ઉપરથી નીચે ઊતરી પડ્યા. મારા તો પગ જૂઠા પડી ગયા હતા. યુદ્ધના ધસારામાં પણ આટલી ઝડપ અમે વાપરી નહિ હોય.

સમરસિંહ હસ્યો :

‘કેમ સાહેબ ! પગ અકડાઈ ગયા. ખરું ? હરકત નહિ.’ પેલા માણસ તરફ ફરી સમરસિંહ બોલ્યો :

‘જો, ઘોડાને બાંધ. સાહેબને ભોયરામાં લઈ જાઓ. ખૂબ ઊના પાણીથી નવરાવો અને શરીર દબાવો.'

મને ભોંયરામાં લઈ જવાની વાત બહુ રુચી નહિ. મેં પૂછ્યું :

‘તમે ક્યાં જશો ?’

‘હું અહીં જ છું. ઝૂંપડીવાળા ભાગમાં આપનાથી બેસાય નહિ. નીચે એક સુંદર ઓરડો છે તેમાં હવે જઈ આપ આરામ લો. ચાલો, હું સાથે જ આવું.’