પૃષ્ઠ:Thag.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬ : ઠગ
 

મકાનનો ચૉક વટાવતાં આવેલા એક મોટા ઓરડામાં પાટ પાથરેલી હતી. તેના ઉપર મને બેસાડી ચારે જણા અંદર અદૃશ્ય થઈ ગયા.

ઓરડાની સુંદર ગોઠવણ જોઈ મને આશ્ચર્ય લાગ્યું. આવા ડુંગર ઉપર, વસતિથી આટલે દૂર આવો વૈભવ કોણે કેવી રીતે વસાવ્યો હશે ? બખ્તરો અને હથિયારો મોટી સંખ્યામાં ભીતે ટાંગેલાં હતાં. એક-બે ખીંટી ઉપર ભગવાં વસ્ત્ર લટકાવેલાં જોઈ મને વિશેષ નવાઈ લાગી.

એકાએક અંદરથી બારણું ખૂલ્યું. લગભગ સાઠેક વર્ષનો એક બુઢ્ઢો સાધુ તેમાંથી મારી પાસે આવ્યો. તેની પાછળ બે માણસો થાળીઓ લઈને આવ્યા. હિંદુસ્તાનના સાધુઓ કોઈને નમતા નથી તે હું જાણતો હતો, એટલે મેં ઊઠી તેને માન આપ્યું. હાથ ઊંચા કરી આર્શીવાદ આપતો આ વૃદ્ધ સાધુ મારી જોડમાં બેસી ગયો. તેના ઊંચા કદાવર શરીર આગળ હું મને પોતાને જ ઘણો નાનો લાગ્યો. અત્યંત સ્વસ્થતાથી એ સાધુએ મારા તરફ જોયું. તેની આંખમાંથી વાત્સલ્ય વરસતું મેં નિહાળ્યું. પરંતુ સાધુના વેશમાં - સાધુની અભયમુદ્રામાં ઠગ લોકોએ કેટકેટલાક નિર્દોષોના ઘાત કરી નાખ્યા હતા ? મારી શંકા વધે તે પહેલાં જ સાધુએ મને કહ્યું :

‘સાહેબ ! અમે સાધુઓ તમારો ખોરાક વાપરી શકીએ એમ નથી. ફળ અને વનસ્પતિનો સાત્ત્વિવક ખોરાક એ અમારો સાધુઓનો ખોરાક, તમે થાકેલા જણાઓ છો. તમને આ ફળફળાદિ બહુ અનુકૂળ ન લાગે તોપણ સ્વસ્થતાથી જમો અને પછી આરામ કરી જાઓ.'

મેં તેનો આભાર માન્યો અને પૂછ્યું :

'હું કોનો મહેમાન છું ?’

સાધુનું હસતું મુખ વધારે હસતું બન્યું. પરંતુ તેની આંખમાં ક્ષણભર આવી ગયેલો ચમકાર મેં જોયો. તે જોતાં જ મને લાગ્યું કે આ ભવ્યમૂર્તિ સાધુની આંખમાં કોઈ ભારે તોફાન સમાયેલું છે.

હસતાં હસતાં તેણે જવાબ આપ્યો :

'આપ મારા મહેમાન છો. આ મારો મઠ છે; અને ઈશ્વર ઇચ્છા અનુસાર ભૂલ્યાં ભટક્યાંનો અતિથિસત્કાર અમો કરી શકીએ છીએ. વિશેષ જાણવાની અત્યારે જિજ્ઞાસા ન રાખશો. ભોજન કરીને અહીં જ સૂઈ જાઓ.'

આટલું બોલી હાથ ઊંચા કરી મને આશિષ આપવાનો તેણે દેખાવ કર્યો. અને તુરત તે પાછો ફર્યો. દમામ ભરેલાં ડગલાં ભરતા આ વૃદ્ધને જોઈને મારું મન ચગડોળે ચઢ્યું. મેં આવેલા ફળફળાદિને પૂરતો ન્યાય