પૃષ્ઠ:Thag.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨: ઠગ
 


કલાક બે કલાક સુધી હું સૂતો. પરંતુ કાંઈ ખડખડાટ થતાં હું જાગી ગયો. પેલો ફકીર સમરસિંહ સાથે કાંઈ વાતો કરતો હતો.

'ત્રણ દિવસમાં હોમ થવાનો છે, તેમાં બે કુરબાની થશે. કાં તો હવે ઘોડા બદલી નાખો કે કાં તો આ છૂપે રસ્તે થઈને જાઓ. સાહેબને ન લઈ જવા હોય તો તેમને હું સંભાળીશ. પણ તારે તો જવું જ પડશે. સૂવાનો વખત નથી.' ફકીરે કહ્યું.

હું જાગતો હતો. ફકીરે મને એકલો મૂકી જવા જણાવ્યું એ મને પસંદ આવ્યું નહિ. હું કદાચ વાંધો ઉઠાવત; પરંતુ ઊંઘતા રહેવાનો દેખાવ કર્યાથી વધારે જાણવાનું મળશે એમ ધારી હું કાંઈ જ બોલ્યો નહિ. સમરસિંહે મને એકલો છોડવાની ના કહી.

‘ઘોડાઓ કોઈની સાથે મોકલી દો. હું અને સાહેબ આ ભોંયરામાં થઈને જઈશું.' સમરસિંહે કહ્યું.

‘જે કરવું હોય તેની ઉતાવળ રાખો. પરમ દિવસની રાત ભયંકર છે. સાહેબને જગાડીશું ?' ફકીરે પૂછ્યું.

‘એ તો જાગતા જ હશે.' કહી સમરસિંહ હસ્યો. ખરે હું જાગતો જ હતો, આંખ ઉઘાડી તેની સામે જોયું.

‘સાહેબ ! મરવાનો ડર તો નથી ને ?’ સમરસિંહે પૂછ્યું.

‘જરા પણ નહિ.’ મેં કહ્યું.

‘ચાલો ત્યારે અત્યારે જ જવું પડશે.'

અમે તૈયાર થઈ ચાલ્યા. ભોંયરામાં ને ભોંયરામાં જ માર્ગ હતો. લગભગ બે દિવસ અમારે આ પ્રમાણે માર્ગ લેવો પડ્યો. કોઈ વાવ અગર મંદિરમાં આ ભોંયરાનાં મુખ પડતાં. ત્યાં જરૂર પડ્યે સમરસિંહ જતો અને જરૂરની ખબર લઈ પાછો આવતો. આટલું લાંબું ભોંયરું કેવી રીતે બન્યું હશે તે જ સમજતાં આશ્ચર્ય લાગે એમ હતું. ત્રીજે દિવસે સવારમાં અમે બૂમ સાંભળી. સમરસિંહનું સૌમ્ય અને હસતું મુખ જરા ઉગ્ર થયું. માથા ઉપરનો એક પથ્થર તેણે ધીમે રહીને ખસેડ્યો અને ઊંચે ચડીને તેણે બહાર જોયું.

‘બહાર ચાલ્યા આવો.' તેણે ત્યાંથી જ કહ્યું, અને ડોકાબારીમાંથી તે બહાર નીકળ્યો. તેની પાછળ હું પણ નીકળ્યો. મને લાગ્યું કે એક ભયાનક કોતરમાં અમે ઊભા હતા. ધીમે ધીમે અમે ઉપર ચડ્યા. દિવસનો પ્રથમ પહોર થયો હશે એમ લાગતું હતું. વરસાદ ઓછો પડ્યો હોય એમ જણાયું. અને જે કોતરમાં અમે ઊભા હતા. તેની પાસેનાં કોતરોમાં પાણી પણ