પૃષ્ઠ:Thag.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
 
બલિદાન
 


બંને સુંદરીઓને વિચિત્ર વેશમાં જોઈ મારાં રોમ ઊભાં થઈ ગયાં. બંનેના વાળ છુટ્ટા મૂકેલા હતા. તેમના કપાળે કોઈ લાલ લેપ લગાડ્યો હતો જે તેમના સૌંદર્યને ભયંકર બનાવતો હતો. તેમના ગળામાં કરેણનાં પુષ્પની માળાઓ પહેરાવેલી હતી. બંનેના હાથ બાંધેલા હતા. સતીના વાંચેલા દૃશ્ય મને યાદ આવ્યાં. માનવી થરથરી ઊઠે એવું એ દૃશ્ય હતું. આયેશા શાંતિથી પણ અત્યંત કડક મુખાકૃતિ બનાવી બેઠી હતી; મટીલ્ડાની આંખ ફાટી ગઈ હતી. સ્ત્રીસૌંદર્યની ભયંકરતા જેવી આજ મેં જોઈ તેવી કદી મારી જિંદગીમાં ફરી જોઈ નથી.

આઠ હથિયારબંધ માણસો એ બંને સ્ત્રીને વીંટાઈ વળી ઊભા હતા. અમે પણ ધીમે ધીમે ટોળામાં જઈને બેઠા. ટોળામાં બુરખાધારી મનુષ્યો અમારી તરફ જોવા લાગ્યા. અમે પણ વગર ઓળખ્યે તેમના તરફ વારાફરતી જોવા લાગ્યા. સમરસિંહ જે કરે તે ધ્યાનમાં રાખવાની જવાબદારી હું બને ત્યાં સુધી રાખી રહ્યો. પરંતુ જેની ટેવ ન હોય તે વસ્તુમાં ભૂલ થઈ જાય એ સંભવિત હતું. મને એવી ભૂલ થઈ જવાનો ડર લાગ્યા કરતો હતો.

અમે ટોળામાં જઈને બેઠા કે તરત જ સહુ કોઈએ પોકાર કર્યો :

‘જય ભવાની !’

સમરસિંહે એમાં પોતાનો અવાજ ભેળવ્યો. પરંતુ મારાથી બૂમ પાડી શકાઈ નહિ. બૂમથી વાતાવરણની વધી ગયેલી ભયંકરતા મને ગભરાવી રહી હતી. મારી પાસે બેઠેલા એક માણસને મારી અશક્તિ દેખાઈ. તેણે મારા બુરખા સામે જોયું અને મને પીઠમાં એક ધક્કો માર્યો. મારે શું કરવું તેની સમજ પડે તે પહેલાં તો બૂમના પડઘા આથમી ગયા, અને એકાએક શાંતિ ફેલાઈ.

બસો માણસોના ટોળામાંથી એક ઊંચી વ્યક્તિ ઊભી થઈ. તેના કાળા ઝભ્ભાની આસપાસ ઝીકની કોર હતી, અને ઊંચા પ્રકારના મુખવટાને લીધે તે આગેવાન હોય એમ મને લાગ્યું. એ આગેવાને ગંભીર ઉચ્ચારણથી બોલવાનું શરૂ કર્યું :