પૃષ્ઠ:Thag.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬ : ઠગ
 

હતી. તેના મુખ ઉપરથી એમ લાગતું હતું કે આ પૂજારીને હાથે કૈંક માનવબલિદાન અપાઈ ગયાં હશે. ઠગ લોકોમાં બ્રાહ્મણો પણ હતા એ પ્રત્યક્ષ જોયું. ધર્મ અને બાહ્યાચારમાં જુદા દેખાતા હિંદુ અને મુસલમાન, આમ કેમ એક થઈ શક્યા હશે એનો મને વિચાર આવ્યો. મને લાગ્યું કે ઊભો રહેલો પૂજારી હમણાં જ બંને અબળાઓની નાજુક આંગળીઓ ટચકાવી નાખશે. પરંતુ પૂજારી મુખવટો કાઢીને ઊભો જ રહ્યો.

‘આજે એક કરતાં વધારે ફરમાનની જરૂર પડશે શું ? ખાનસાહેબના હુકમની અવગણના કરનાર દ્રોહીની ગરદન મારી તલવાર નીચે આવી જશે.'

મને લાગ્યું કે આ ધમકી આપનાર અવાજ પણ મને પરિચિત હતો. કોણ હશે ? આઝાદ તો નહિ હોય ? પરંતુ કાળા ઝભ્ભામાં ઢંકાયેલ મુખ માત્ર આંખને જ બિહામણી બનાવી રહ્યાં હતાં. બિહામણી આંખ મુખને ઓળખવા દે એમ ન હતું.

'ખાનસાહેબના હુકમની અવગણના કરનાર આ ટોળીમાં તો હોઈ શકે જ નહિ. આયેશાનો ભોગ આપવા હું તૈયાર છું, પરંતુ આ મડમ જેની કેદી છે તેની અહીં હાજરી નથી. તેની હાજરી વગર એ ગોરી બાઈ ઉપર હાથ ઉપાડવો એ અધર્મ છે.' પૂજારીએ કહ્યું. આયેશાનો ભોગ આપવા તૈયાર થયેલ કઠોર હૃદયને ધર્મઅધર્મની ભાવના ગૂંચવતી હતી. એ નવાઈ જેવું હતું.

‘મારા હુકમનું અપમાન ? હું જાતે મટીલ્ડાની આંગળી કાપીશ. અને બંને બાઈઓ જોડે ભોળાનાથનું પણ બલિદાન ભવાનીને આપીશ.' એટલું બોલતાં બોલતાં ખાનસાહેબે ઝડપથી ધસી કટાર કાઢી. અને સામે આવી રિબાવતા મોતને નીરખી અર્ધધેલી બનેલી મટીલ્ડાની તેમણે આંગળી પકડી.

‘સબૂર !’ એકાએક મારી જોડે બેઠેલા સમરસિંહે ગર્જના કરી. સહુની આંખ અમારી બાજુએ વળી. ખાનસાહેબ અટક્યા. સમરસિંહનો અવાજ તેમણે પારખ્યો હોય એમ લાગ્યું.

‘ખાનસાહેબ ! આપને હાથે આ કામ ન થાય. એ હાથ વરદાન આપવા માટે અલગ રાખેલો છે. આપ લોહી રેડો તો આખી બિરાદરી અપવિત્ર થાય.' સમરસિંહે બોલવાનું ચાલુ રાખ્યું. એટલું બોલતાં તે પણ આગળ વધ્યો અને ખાનસાહેબની લગોલગ જઈને ઊભો રહ્યો. વાતાવરણ તદ્દન શાંત બની ગયું. પરંતુ એ શાંતિ મહાભયંકર દેખાતી હતી. એ શાંતિ પાછળ વીજળીઓ ચમકશે એમ મને લાગ્યું. સમરસિંહની