પૃષ્ઠ:Thag.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮ : ઠગ
 

સ્ત્રીને બધાય પુરુષના કાયદા લાગુ પડે છે. એટલે આ બંનેનો ભોગ અપાશે જ.’

‘હું જીવતો છું ત્યાં સુધી તો નહિ જ. બહેતર છે કે આ બે યુવતીઓને મારીએ એના કરતાં આપણી બિરાદરી વિખેરી નાખીએ. ખાનસાહેબ ! આપણી બિરાદરી સ્ત્રીઓને મારે છે. બાળકોને મારે છે, બાળકીઓને વેશ્યાને ઘેર વેચે છે. આપણી નાલાયકી માટે આપણે બિરાદરી બાંધી છે ? રાજામહારાજાઓનો જુલમ, અમીરઉમરાવોની જબરજસ્તી, કંજૂસ ધનિકના અત્યાચાર, અમલદારોની લાંચરુશ્વત : આ બધું અટકાવવાને બદલે આપણે એમાં ભાગ લઈએ તો બહેતર છે કે આપણે ઝેર ખાવું. હું જીવું છું ત્યાં સુધી મારી નજર આગળ એક પણ સ્ત્રીને હેરાન થવા નહિ દઉં.'

‘તને બહુ જીવવા દેવાનો જ નથી. ખાનસાહેબ ! આપના હુકમનો અમલ કરાવું ?' આઝાદ બોલ્યો.

‘સમરસિંહને પણ સાંભળવો જોઈએ.' ખાનસાહેબ બોલ્યા. ‘બિરાદરીનું ગુરુપદ એનું છે.'

‘ગુરુપદ ? આઝાદ બોલ્યો. પણ તેને આગળ બોલતો અટકાવી વચમાં ખાનસાહેબે કહ્યું :

‘બસ. આઝાદ ! એની વિરુદ્ધ - એના ગુરુપદ વિરુદ્ધ કાંઈ બોલીશ તો હું તને સજા કરીશ. વૃદ્ધ ગુરુ યાદ છે ?'

‘એ ક્યાં અને આ તુમાખી છોકરો ક્યાં ? આપણી બિરાદરીને એ બુડાડનાર...'

ત્રણચાર જણ ઊભા થઈ ગયા. તેમણે પોતાના બુરખા બાજુએ મૂકી દીધા. અને તલવાર કાઢી આઝાદ સામે ધસી ગયા. આઝાદ હસ્યો. તેના હસતા બરોબર બીજા ચાર માણસો બીજી બાજુએથી ધસી આવ્યા, અને આઝાદનું રક્ષણ કરતા ઊભા રહ્યા.

‘આપણે ઝઘડવાની જરૂર નથી. ઝઘડો મારી અને સુમરાની વચ્ચે છે. હું કહું છું કે ભવાનીને સ્ત્રીનો ભોગ અપાય; એ ના કહે છે. અમે બંને યુદ્ધ કરી શકીએ તો યુદ્ધનું પરિણામ ન્યાયનો માર્ગ બતાવે. પરંતુ સુમરો તો હથિયાર વાપરી શકતો નથી. હથિયાર ન વાપરનાર કાયર સાથે બોલવું શું ?'

‘આઝાદ ! તને ખબર નહિ હોય, પણ અત્યારે તને કહું છું. સ્ત્રી કે બાળકના વિરુદ્ધ હાથ ઉપાડનાર ઠગની સામે હું હથિયાર ધારણ કરી શકું