પૃષ્ઠ:Thag.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બલિદાન : ૧૪૧
 

આવનાર મારો મિત્ર બની ચૂકેલો સમરસિંહ હજી ગોરાઓને ગૂંચવવાની ઇચ્છા રાખે છે ?

‘કદાચ એ ગોરો અહીં પણ હશે. પરંતુ રક્ષિત દુશ્મનને પણ મારી શકાય નહિ એ આપણો કાયદો. ગોરાઓની છાવણીમાં આપણે લૂંટ કેમ કરતા નથી ? એક પણ ગોરાને ગળે રૂમાલ બાંધવાની આપણામાં હિંમત નથી. દેશના દુશ્મનોને દૂર કરવાની આપણી બીજી પ્રતિજ્ઞા. કયા ગોરાને આપણે મારી શક્યા ? આખા દેશમાં ફેલાયેલી આપણી દેશી સત્તાને તેમના હાથમાં જવા દઈએ છીએ. આપણો હવે ખપ શો ?’

'પણ એ મોટી મોટી વાતો તને સોંપી હતી. તેં શું કર્યું ?' આઝાદે કહ્યું.

‘નેપાળી અને પંજાબી શીખ એ બંનેની જાગૃતિ જો. હિંદની બહાર નજર કર. રૂસ, દેશમાં મેં બાંધેલી લશ્કરી ટોળીઓ યાદ કર. પછી મને પૂછ કે મેં શું કર્યું. અહીંની ભાળવણી તને કરી. ત્યારે તે કોઈના હાર ચોરવા માંડ્યા. કોઈ કોઈ રાજ્યોને અંદર અંદર લડાવ્યાં, જાત્રાળુઓના સંઘને લૂંટ્યા, અને જાણે એ ઓછું હોય તેમ ગોરી સ્ત્રી ઉપર પણ નજર નાખી. કાલિકાનો મંત્ર ઉચ્ચારનાર એક મહાનાયક આ માર્ગે આપણને દોરે એના કરતાં આપણે આ ઝરામાં ડૂબી મરવું વધારે સારું છે.' સમરસિંહે જરા આવેશથી ઉચ્ચારણ કર્યું.

આઝાદની આંખમાં સહજ તેજ દેખાયું. સૂર્ય હવે માથા ઉપર આવ્યો હતો. ઝાડની આછી આછી છાયા એ તાપને કોઈ કોઈ સ્થળે અટકાવતી હતી. મને સ્વાભાવિક રીતે તાપની અસર વધારે લાગતી હતી. હું સહજ ખસી એક ઝાડની છાયામાં બેઠો. સમરસિંહે મારું આ કાર્ય જોયું, અને તે સહજ હસ્યો. ગોરી ચામડીથી બહુ તાપ જિરવાતો નથી.

‘તો આજે આપણે વીખરાઈ જઈએ. ભવાનીને ચિઠ્ઠી નાખીને અગર તેની વાણી સાંભળીને આપણે ભોગ આપવો કે કેમ એ કાલે નક્કી કરશું !’ આઝાદે કહ્યું.

‘ચિઠ્ઠી નાખવાની કે કોઈને ધુણાવી માતાજીને બોલાવવાની જરૂર નથી. ભોગ આપી શકાય જ નહિ.’ સમરસિંહે કહ્યું

‘અત્યારે નક્કી ન કરીએ તો ?' ખાનસાહેબે કહ્યું.

'આ બંને બલિના તરફડાટનો વિચાર આપને નથી આવતો ?' સમરસિંહે પૂછ્યું.

‘અમારો વિચાર કોઈ ન કરશો. ભવાનીની કૃપા હશે અને બિરાદરીનું બહેતર થતું હશે તો આજને બદલે કાલ મોત જોઈશું.' આયેશા બોલી.