પૃષ્ઠ:Thag.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફાંસાનો અનુભવ : ૭
 

આપ્યો, અને તે પછી પાથરેલા એક મોટા ખાટલા ઉપર હું પડ્યો.

ટાઢ તો હતી જ; એટલે સુંદર મશરૂની રજાઈ મેં ઓઢી અને ઊંઘવાનો પ્રયત્ન કર્યો. આજના સ્વપ્ન જેવા બનાવોના ખ્યાલે મારું મન અસ્થિર બનેલું જ હતું, અને શરીરને ઘણી જ જરૂર લાગ્યા છતાં ઊંઘ તો મને આવી જ નહિ. મેં કૈંક ઠગ આગેવાનો પકડ્યા હતા. તેમના સ્થાન ઉપર કૈંક હુમલાઓ લઈ ગયો હતો, પરંતુ આવી રીતે એકાંત સ્થળમાં હું એકલો કોઈ ઠગને મળ્યો ન હતો.

હું એકાદ ઘડી પડી રહ્યો હોઈશ, એટલામાં સહજ ખખડાટ થયો. જે દ્વારમાં થઈને હું આ ઓરડામાં આવ્યો હતો. તે દ્વાર ઊઘડ્યું, અને હું ચમક્યો. ઝાંખા દીવાના પ્રકાશમાં હું જોઈ શક્યો કે એક યુવકે ઓરડામાં પ્રવેશ કર્યો છે.

તેણે ઓરડામાં ફરવા માંડ્યું. મારા ખાટલા પાસે આવતાં મેં આંખો મીંચી લીધી. નિદ્રાવશ દેખાવાનો મેં પ્રયત્ન કર્યો. ઠગ લોકો ફાંસો નાખતા પહેલાં પોતાના ભોગને જાગ્રત કરતા હતા. તે હું જાણતો હતો. તત્કાળ અંદરથી દ્વાર ખૂલ્યું, અને મને વાઘથી બચાવી આ સ્થાને પહોંચાડનાર યુવકને મેં ઓરડામાં દાખલ થતો જોયો. તેના મુખની રેખાઓ સખ્ત બની ગઈ હતી અને નવા યુવકની સલામ ઝીલી ન ઝીલી અને તેણે તુરત કડકાઈથી પૂછ્યું :

'તમને મોકલવાની મેં ના પાડેલી હતી. શા માટે તમને મોકલ્યા ?’

નવા યુવકે સહજ નમનતાઈથી જવાબ વાળ્યો :

‘મને નાયકે આજ્ઞા આપી. એટલે હું ના કેમ પાડી શકું ?

યુવકનું મુખ વધારે સખત થયું. પરંતુ તેણે કાંઈ પણ બોલતાં પહેલાં મારા ખાટલા તરફ નજર નાખી અને નવા યુવકને કહ્યું :

‘અંદર આવો !’

જતે જતે નવીન યુવકે પૂછ્યું :

‘આ ગોરો કોણ છે ? એ ફિરંગીને ક્યારે ઝાલ્યો ?’ અને બારણું બંધ થયું. મને લાગ્યું કે મારો ભોગ ભવાનીને આપવાનો જ છે. ઠગ લોકોની જડ કાઢવા તૈયાર થયેલો હું જીવનની છેલ્લી ક્ષણો અનુભવી રહ્યો.

ઊંઘ તો આવી જ નહોતી, અને હવે આવવાનો સંભવ પણ રહ્યો નહોતો. મારી જિજ્ઞાસા અતિશય તીવ્ર થઈ અને પૂર્ણ નિરાશાને લીધે સાહસવૃત્તિ સતેજ થઈ. ઓરડામાં કોઈ જ નથી એવી ખાતરી કરીને હું ઊઠ્યો, અને જે દ્વારમાં થઈને એ બંને જણા ગયા હતા, તે દ્વાર મેં ઉઘાડવા