પૃષ્ઠ:Thag.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪ : ઠગ
 

જતું હતું.

હાજર રહેલા સહુ કોઈ આશ્ચર્ય અને ભયથી સ્તબ્ધ બની ગયાં. મંદિર તરફ જતા લોકો દોડીને પાછા ત્યાં આવવા લાગ્યા. મટીલ્ડા ટેકરાને ઓથેથી અડધાં ભીનાં વસ્ત્રો સાથે બહાર નીકળી આવી. મેં આચ્છાદન દૂર કર્યું અને મટીલ્ડા તરફ જવા માંડ્યું. ખેંચાઈ જતી આયેશા પાણીમાં તરફડિયાં મારતી વધારે અને વધારે ગૂંચવાતી હતી. એને કેમ બચાવવી એનો વિચાર પણ આવે તે પહેલાં સમરસિંહે પહેરેલાં વસ્ત્રે વહેળામાં ઝંપલાવ્યું !

વહેળાનાં વમળો ભલભલા તારાઓને પણ મૂંઝવણમાં નાખી દે એવાં ભયંકર હતાં. આયેશાને બચાવવા સમરસિંહ, આમ પોતાની જાતને જોખમમાં નાખશે એવો ખ્યાલ કોઈને પ્રથમ દર્શને આવે એવો ન હતો. ડુંગરની અવ્યવસ્થિત કરાડો, કોતરો અને ખોને લઈ અનેક ઘાંટીઓ રચતા વહેળામાં સાધન વગર પડનાર તારાથી બચી શકાય એમ ન હતું, ત્યાં બીજાને તો બચાવી જ શી રીતે શકાય ? સહુના મુખ ઉપર મૂંઝવણ હતી.

પરંતુ સમરસિંહ પાણીનાં તોફાન ઉપર સ્વામિત્વ ભોગવતો હોય એમ લાગ્યું. પાણીનાં તાણ, ઊંડાણ અને ઘુમરીઓને દબાવી પચાસેક કદમ સમરસિંહે આયેશાને પકડી લીધી.

સહુના જીવમાં જીવ આવ્યો. છતાં એ બંનેથી પાણી બહાર ક્યાં આગળ નીકળાશે તે કોઈથી કલ્પી શકાયું નહિ. સામે ઊભી સીધી કરાડ હતી; આ બાજુએ વમળોની પરંપરા વહેળાને બળતા ઊકળતા ઝરાનું સ્વરૂપ આપતી હતી. પરંતુ અત્યારે એ ભયંકરતા એકદમ સો ગણી વધી ગઈ. ટેકરાને ઓથેથી બહાર નીકળી આઝાદ એક કામઠા ઉપર તીર ચડાવી રહ્યો હતો !

મને તત્કાળ લાગ્યું કે આઝાદ આયેશાને વહેળામાં કોઈ પણ રીતે ફેંકી હવે સમરસિંહ તેને બચાવે એ તેનાથી ભાગ્યે જ જોઈ શકાય. આઝાદનું તીર આયેશા કે સમરસિંહ બેમાંથી જેને વાગે તેના પ્રાણ જાય ! આઝાદની શસ્ત્રકળા અદ્દભુત હતી એ હું જાણતો હતો. એકાએક મારા હૃદયને ઉત્તેજિત કરતો વિચાર મને આવ્યો. સમરસિંહ કે આયેશાને સહાય આપી શકાય એવો આ એક જ પ્રસંગ મને મળતો હતો. મારા જીવનની તો તેમણે અનેક વખત રક્ષા કરી હતી. પાસે ઊભેલી મટીલ્ડાને એકલી મૂકી હું પાંચ ફલંગોમાં આઝાદ પાસે પહોંચ્યો. પાણીમાં તરફડતા સમરસિંહ અને આયેશાની વધતી મૂંઝવણ વધારતા આઝાદની પ્રસન્નતા તેને એકલક્ષી બનાવી તીરની નેમ લેવા પ્રેરી રહી હતી. તેણે મારી પ્રવૃત્તિ