પૃષ્ઠ:Thag.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લો શ્વાસ : ૧૪૫
 

નિહાળી નહિ. તાકીને પણછ ખેંચવા જતા આઝાદને મેં અણીને સમયે બાથમાં લીધો અને તેના કામઠાને હલાવી નાખ્યું.

‘સાહેબ ! જીવતા રહેવું હોય તો મને છોડો.’ આઝાદે મને ઓળખી કહ્યું.

‘અત્યારે જીવનની પરવા નથી.' મેં જવાબ આપી. મારી પકડ મજબૂત કરી.

‘સાહેબ ! ઠગ લોકોને પકડવા હોય તો અત્યારે મારા માર્ગમાં ન આવો.' આઝાદે અત્યંત બળ કરી મારી પકડમાંથી છૂટા થઈ કહ્યું. એણે આટલું શારીરિક બળ ક્યાંથી મેળવ્યું હશે એનો વિચાર કરતાં મેં જવાબ આપ્યો :

‘ઠગ લોકો ભલે ન પકડાય, મારા દેખતાં હું મુશ્કેલીમાં પડેલાં માણસોને આમ તારે હાથે મરવા નહિ દઉં.’

‘પકડો. આ ગોરાને.’ આઝાદે પાસે આવી પહોંચેલા કેટલાક ઠગ, નાયકોને આજ્ઞા કરી, અને તેણે ફરીથી તીર-કમાન તૈયાર કર્યા. મને પકડવા કોઈ પ્રયત્ન કરે તે પહેલાં તો હું આઝાદ ઉપર ધસ્યો. મારો આ અવિચારી ધસારો મને જીવલેણ થઈ પડ્યો હોત. મને પાસે આવતો જોઈ આઝાદે પોતાની તલવાર ખેંચી અને મારા ઉપર ઉગામી. હું અસાવધ હતો; મારો બચાવ કરવા માટે અગર સામું હથિયાર ખેંચવા માટે સમય ન હતો. આઝાદની વિકરાળ આંખો મેં જોઈ, અને મારા ઉપર ઉપાડેલો સમશેરનો દાવ મેં જોયો. મને લાગ્યું કે મારા બે ભાગ થઈ જશે.

પરંતુ મારા દેહની અને તલવારના અસહ્ય ઘાની વચ્ચે એક પહોળી ઢાલ પથરાઈ ગયેલી મેં જોઈ. હું બચી ગયો, ઢાલ ઉપર ઘા ઝિલાયો. એ કોની ઢાલ હતી ? કોણે ખરે વખતે મને બચાવ્યો હતો ? મેં ઝડપથી તેની તરફ નજર કરી, તો મારો વફાદાર નોકર દિલાવર મને બચાવી રહ્યો હતો !

'આટલા માટે તને સાહેબની સુપરત કરી હતી, ખરું ? બેઈમાન ! તું પણ...’ આઝાદે ઘેલછાભરી આાંખ કરી દિલાવર તરફ ધસારો કર્યો.

પરંતુ દિલાવર પોતાનો બચાવ કરે તે પહેલાં ટેકરાની બાજુમાંથી એક ભયાનક વાઘ ધુર ધુર અવાજ કરતો જમીન ઉપર પુચ્છ પટકતો નીકળી આવ્યો. તેણે તેના ક્રૂર મુખને આઝાદ તરફ ફેરવ્યું; આઝાદ થોભી ગયો. અકસ્માત નીકળી આવેલા આ જાનવરે સહુના હૃદયમાં ભય પ્રગટાવ્યો. આઝાદ ખસી ગયો; મટીલ્ડાથી ચીસ પણ પાડી શકાઈ નહિ. દિલાવર જરા પાછો ખસ્યો. મને સમજાયું નહિ કે મારે શું કરવું.