પૃષ્ઠ:Thag.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬: ઠગ
 


‘રાજુલ !’ વહોળામાંથી સંબોધન આવ્યું.

મને તરત સમરસિંહની મુલાકાત યાદ આવી. વાઘે પોતાનું મુખ વહોળા તરફ ફેરવ્યું, અને આંખો મીચી ઉઘાડી આછો ચિત્કાર કર્યો.

‘બેસી જા બચ્ચા !’ વહેળામાંથી સમરસિંહે બૂમ પાડી.

આજ્ઞાધારી વાઘ જમીન ઉપર બેસી ગયો. વાધે દિલાવરને આઝાદના હુમલામાંથી બચાવી લીધો હતો. આઝાદે તલવાર અને કામઠું બંને નીચે ફેંકી દીધાં. અને તે બોલી ઊઠ્યો : ‘બસ, થઈ રહ્યું !’

અને વાઘની પાસે આઝાદ બેસી ગયો. વાઘ સરખો વિકરાળ આઝાદ એકાએક સામનો છોડી, અદૃશ્યને આધીન બની હિંસક પ્રાણી પાસે બેસી જતો હતો. એ જોઈ મને આઝાદના હૃદયની દૃઢતાનું બીજું પાસું દેખાયું.

બીજી પાસ જબરજસ્ત પ્રવાહમાંથી બહાર નીકળવા મથતાં સમર અને આયેશા તરફ સહુનું ધ્યાન ખેંચાયેલું હતું જ. એકેએક ઠગે હવે મુખવટો કાઢી નાખ્યો હતો. કિનારા ઉપર એક કાળો ઊંચો મજબૂત ઠગ પોતાની કમરે દોરડું બાંધી ઊભો હતો; દોરડું ખૂબ લાંબું હતું, પંદર માણસો તેને ઝાલી રહ્યા હતા. છતાં તેણે કહ્યું :

'દોરડાને ઝાડ સાથે બાંધો.' બહુ જ મજબૂતીથી દોરડું ઝાડ સાથે બંધાયું. ઉપરાંત તેને પકડી રહેલા માણસો તો બળ કરતા જ હતા. દોરડું બંધાવી રહેલો ઠગ વહેળાની ઘાટીઓમાં કૂદી પડ્યો, અને સામે પાર આયેશાને સહાય આપી સીધા ટેકરા ઉપર પગ મૂકવા મથતા સમર તરફ તે તરી નીકળ્યો.

‘શાબાશ, ગંભીર !’ કિનારા ઉપરથી કોઈ બોલ્યું. આઝાદની હાજરી, વખતે મારું રક્ષણ કરવા મારી પાસે મૂકેલો ગંભીરસિંહ મને યાદ આવ્યો. આ તે જ ઠગ હતો.

ગંભીરે આયેશાને થાકેલા સમરસિંહ પાસેથી ખસેડી લીધી અને દોરડાનો વધેલો ભાગ તેની આસપાસ વીંટાળ્યો. આયેશાની કાળજી ઘટવાથી સમરસિંહ વધારે પ્રફુલપણે અને વધારે દક્ષતાથી તરી શકતો હતો. ઊછળતા પાણીમાંથી પહેલી આયેશા બહાર નીકળી, ગંભીર પાછો પાણીમાં પડ્યો, અને સમરસિંહને દોરી કિનારે લાવ્યો.

‘ત્રીસ હાથનું વહેકોળિયું ! કેટકેટલાને ડુબાવી દે છે !’ કોઈએ કહ્યું.

‘સાડાત્રણ હાથની કાયા આખી બિરાદરીને ડુબાવી દે તો ત્રીસ હાથનું શું કહેવું ?’ સમરસિંહે પાણીભયાં દેહનું પાણી આાછું કરતાં કહ્યું.