પૃષ્ઠ:Thag.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લો શ્વાસ : ૧૪૭
 

આખું ટોળું સમરસિંહની આસપાસ વીંટળાઈ વળ્યું. માત્ર આઝાદ અને વાઘ દૂરના દૂર બેસી રહ્યા હતા.

‘ખાનસાહેબ ! હવે બધા ભૂખ્યા થયા હશે. તેમની સગવડ કરીએ.' સમરસિંહે કહ્યું. જીવન અને મૃત્યુની ખેંચતાણમાંથી ઊગરી આવેલો આ ભયાનક મનાતો ઠગ બીજાઓની મુશ્કેલીઓ વિચારતો હતો ! એ શી વિચિત્રતા ? એ શી માનવતા ?

ખાનસાહેબે કાંઈ જવાબ ન આપ્યો. આયેશા તરફ જોઈ ન શકતો એ નેતા કોઈ વિચિત્ર હૃદયમંથન અનુભવતો હતો. બહેનનો વધ કરવા માટે તૈયાર થયેલો ક્રૂર ઠગ નાયક બહેનનો આકસ્મિક બચાવ જોઈ આંખમાં આંસુ લાવી રહ્યો હતો. આયેશા ભીનાં વસ્ત્રો સાથે પથ્થર ઉપર બેસી ગઈ હતી. તેના કપાળનું કંકુ પાણીથી પ્રવાહી બની તેના મુખને લાલાશ આપી રહ્યું હતું. તેના મુખ ઉપર થાક હતો - ગભરાટ હતો.

'મેમસાહેબ ક્યાં છે ?’ આયેશાએ પૂછ્યું.

મટીલ્ડા મારી પાછળ પાછળ જ રહેતી હતી. તે આગળ આવી.

‘આાવો, બહેન !’ આયેશાએ કહ્યું. મટીલ્ડા તેની પાસે બેઠી, અને આયેશાની સામે તે જોઈ રહી. ક્ષણભરમાં તેની આંખમાં આંસુ આવ્યાં.

‘અરે ! શાને માટે, બહેન ? હજી તો આવતી કાલે શુંયે થશે ! હું એક ઠગના કુટુંબમાં જન્મી માટે ભવાનીનો ભોગ બની, તું ઠગના દુશ્મન કુટુંબમાં જન્મી એટલે તારે પણ ભોગ બનવાનું. સ્ત્રીજાત એક અગર બીજી રીતે ભોગ બનવાને જ અવતાર લે છે ને !’ આયેશા વિષાદભર્યું હસી બોલી.

‘ભવાનીને આજથી એક પણ ભોગ અપાશે નહિ.' સમરસિંહે કહ્યું.

‘ભવાની કદી સ્ત્રીનો સ્વીકાર ન કરે. આપણો એ પહેલો કાયદો. હા, કોઈ બત્રીસલક્ષણા પુરુષનો ભોગ અપાય તો ભવાની પ્રસન્ન થાય. પણ એ ભોગ કોણ આપે ? શા માટે આપે ? કયા કારણે આપે ?' બીજા નાયકે જવાબ આપ્યો.

‘આપણા બે બત્રીસલક્ષણા : એક આઝાદ અને બીજો સમરો.' ત્રીજો કોઈ માણસ બોલી ઊઠ્યો.

‘એ બન્નેના ભોગ અપાય તો શાંતિ થાય અને ભવાની પ્રસન્ન રહે !’ સમરસિંહે હસીને કહ્યું.

'અને આખી બિરાદરી બરબાદ બને !’ ખાનસાહેબે કહ્યું. ‘મને લાગે છે કે આજે બંનેના ભોગ અપાઈ ચૂક્યા, અને આપણી બિરાદરી બરબાદ બનતી હતી તે અટકી ગઈ.' સમરસિંહે કહ્યું.