પૃષ્ઠ:Thag.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮: ઠગ
 

મને સમજાયું નહિ. મેં સમરસિંહ સામે જોયું. સમરસિંહ બોલ્યો :

‘સાહેબ ! આજ એક નિવેદન સરકારમાં મોકલો અને લખો કે ઠગની ટોળીનો નાશ થયો છે.’

‘કેમ ? કેવી રીતે ?' મેં પૂછ્યું.

‘બંને ભયંકર ઠગનો ભવાનીને ભોગ અપાયો. હવે રહ્યા તેમને કાં તો તમે પકડીને ફાંસીએ લટકાવો અથવા છૂટા રહેવા દઈ શાંત નાગરિકો બનાવો. આજ અમારી ટોળી નિરર્થક બની ગઈ છે.' સમરસિંહે કહ્યું.

‘મને તો કશી જ સમજ પડતી નથી. તમે ઠગ કેવા ? ઠગમાં સંસ્કાર કેવા ? ઠગમાં ધર્મ શો ? ઠગમાં ઝઘડા શા ? અમારો વિરોધ કેમ ? મારો બચાવ શા માટે ? હું મૂંઝાઈ ગયો છું.' મેં જવાબ આપ્યો. મારું કથન મારા હૃદયભાવને વ્યક્ત કરતું હતું. હું ખરેખર આ વિચિત્ર, વિરોધાભાસભરી ટોળીને નિહાળી મૂંઝવાઈ ગયો હતો.

‘મને પકડી કેદમાં પૂરો તો હું તમને એ બધી બાબતોનો ઉકેલ આપું.’ સમરસિંહે મને કહ્યું. મને લાગ્યું કે અમે પકડેલા કેટલાક ઠગની કબૂલતો અમે છાપી જગપ્રસિદ્ધ કરી હતી. તેની સામે સમરસિંહ કટાક્ષ ફેંકતો હતો.

‘વગર કેદ કર્યે તમે ઉકેલ આપો તો ?' મેં પૂછ્યું.

‘તમને અને જગતને સાચું નહિ લાગે.' સમરસિંહે કહ્યું.

‘પણ મેં તો તમને જોયા છે, તમારાં કાર્યો નજીક રહીને જોયાં છે. હું જૂઠું તો નહિ જ બોલું.’

‘પણ હજી તો તમને કશી સમજ પડી નથી એમ કહો છો. તમે જે લખશો તે સમજ વગરનું - અમને અન્યાય આપનારું જ હશે.'

‘અંગ્રેજો અન્યાયી નથી.’

'અને હોય તો તે કબૂલ કરે એમ પણ નથી.' સમરસિંહે હસીને કહ્યું.

‘નહિ, નહિ, તમે ધારો છો એવા અમે ઘમંડી નથી.'

'તમારા ગુણનો હું પૂજક છું. તમે જે દિવસે હિંદને છોડી જશો તે દિવસે અમે તમારા ઉપકારનો એક કીર્તિસ્તભ રચીશું.’

‘ચાલો, આપણે એક વખત આરામ લઈએ. આ મેમસાહેબ હજી થરથરે છે.' ખાનસાહેબ બોલ્યા.

મને પણ લાગ્યું કે હું નિરર્થક વાતમાં સહુને રોકતો હતો. અમે મંદિર તરફ ચાલવા માંડ્યું કહ્યું. ચાલતે ચાલતે સમરસિંહે કહ્યું :

‘જેવું જુઓ છો તેવું જ લખજો હોં !’

‘તમારી પાસેથી છૂટીશ ત્યારે ને ?’ મેં જવાબ આપ્યો.