પૃષ્ઠ:Thag.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લો શ્વાસ : ૧૪૯
 


‘તમને મેં કદી બાંધ્યા જ નથી. તમે છૂટા જ છો - આઝાદ છો !... અરે, પણ આઝાદ ક્યાં ?’ સમરસિંહે પૂછ્યું અને પાછળ જોયું.

આઝાદ અને વનરાજ એકબીજાની પાસે શાંત બેસી રહ્યા હતા. આઝાદ ટેકરાને અઢેલી જાણે સમાધિમાં પડ્યો હોય એમ દેખાતું હતું.

સમરસિંહ પાછો ફર્યો. વાધે ચિત્કાર કર્યો. પુચ્છ હલાવ્યું, અને સહુને ભય પમાડે એવી ઢબની પ્રસન્નતા બતાવી.

‘રાજુલ ! બચ્ચા ! તુંયે માનવી બની ગયો, નહિ ?’ સમરસિંહે કહ્યું તે જ ક્ષણે આઝાદે આંખ ઉઘાડી.

‘આઝાદ ! નીંદ આવે છે ?’ સમરે પૂછ્યું.

‘નહિ; આઝાદ જાગૃત બની ગયો છે.' આઝાદે કહ્યું.

‘ચાલ, તો પછી અહીં શું કરે છે ?’

'હવે ક્યાં આવું ?’

‘આપણે સાથે જ રહેવા સરજાયા છીએ. ચાલ મારી જોડે.' સમરસિંહે આઝાદનો હાથ પકડ્યો અને તેને ઉઠાડ્યો. આઝાદથી જાણે ચલાતું ન હોય એમ લાગ્યું. સમરસિંહે તેને ગળે હાથ નાખ્યો, અને તેને આગળ કર્યો.

‘ચાલ દોસ્ત ! પગ ઉપાડ.' સમરે કહ્યું.

‘જય ભવાની !’ કોઈ ઠગે પોકાર કર્યો.

આખી ઠગબિરાદરીએ એ પોકાર ઝીલ્યો :

ʻજય ભવાની !ʼ