પૃષ્ઠ:Thag.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮ : ઠગ
 

માંડ્યું. તે સહેલાઈથી ઊઘડે એમ લાગ્યું નહિ. તેને આગળો, તાળું, નકૂચો, સંચ, એમાંથી શું છે તે શોધવાનો મેં આરંભ કર્યો.

મારી ખાતરી થઈ ગઈ હતી કે આ મકાન માત્ર સાધુનો મઠ ન હતું. એ કોઈ ભારે ખટપટની જગા હતી. અને જે મનુષ્યોની વચમાં હું આવી ચડ્યો હતો તે કોઈ સરલ સાધુ કે ગૃહસ્થો ન હતા, પણ કોઈ જબરજસ્ત કાવતરાના સૂત્રધારો હતા.

દીવો ઝાંખો બળતો હતો, તે મેં બિલકુલ બુઝાવી નાખ્યો. અંધકારમાં બારણું ખોલવાનું શરૂ કર્યું. બની શકે એટલું મેં જોર કર્યું, યુક્તિઓ કરી, પણ બારણું ખૂલ્યું નહિ. ચારે પાસ બારસાખ ઉપર હાથ ફેરવી જોયો તો જમણી બાજુએ એક ઝીણી ખીલીનું માથું હાથમાં આવ્યું. ખીલીને આમતેમ ખેંચી, ઊભી આડી હલાવી અને મને લાગ્યું કે બારણાની ચાવી આ જ છે. ખીલીને જમણી પાસે આડી ખેંચતાં બારણું ખૂલ્યું અને મેં અંદર પગ મૂક્યો. આ સ્થળે પણ સંપૂર્ણ અંધકાર હતો. દીવાલને અડી મેં આગળ વધવા માંડ્યું. વગર ખડખડાટે વચમાં આવતી વસ્તુઓને અડકીને પોતાનો માર્ગ કેમ કરવો એ સફાઈ માત્ર શિકારી કે ચોરને જ આવડે. ભીંતના ખૂણા પ્રમાણે હું વળતો જતો હતો. શા માટે આમ કરતો હતો. તેની મને ખબર ન હતી. મારી સાહસવૃત્તિનું પરિણામ મારા લાભમાં જ આવશે કે કેમ તેની પણ મને ખાતરી ન હતી. અત્યારે તો હું ઉદ્દેશ વગર આગળ વધ્યો. અંતે મારો આ અર્થ વગરનો પ્રયત્ન સફળ થયો હોય એમ મને લાગ્યું. દીવાલ ઉપર ઊંચાણમાં આકાશની સફેદી આછી આછી જોવામાં આવતાં મને લાગ્યું કે કોઈ નાનું જાળિયું તે જગાએ હશે. પ્રયત્ન કરી હું ઊંચે કૂધો, અને એક કૂદકે તે જાળિયું હાથમાં પકડી લીધું.

આ જાળિયું એક વિશાળ ચૉકમાં પડતું હતું અને ચૉકને મૂકીને એક મોટી ઓસરી આવેલી હતી. મને કોઈ દેખી શકે એમ નહોતું. અતિશય કષ્ટ લાગ્યા છતાં હું જાળી પકડીને અધ્ધર રહ્યો અને સામે નજર ઠેરાવી તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો.

એક યુરોપિયન કન્યા સામે બંને યુવકો બેઠેલા હતા. ! શું કૅપ્ટન પ્લેફૅરની આ દીકરી ? ઠગ લોકો જેને ઉપાડી ગયા હતા. તે છોકરી શું હજી જીવતી છે ? ઠગ લોકોનો આ છેલ્લો અત્યાચાર હતો, અને કૅપ્ટન પ્લેફૅરના જ તંબુમાંથી તેની દીકરી ગુમ થતાં થયેલો હાહાકાર હજી શમ્યો નહોતો. કૅપ્ટનની સ્થિતિ અતિશય દયાજનક બની ગઈ હતી; અને જે ઠગ લોકોએ તેમના ઉપર આવો ક્રૂર વિજય મેળવ્યો તેમને બદલે મને મૂકવામાં આવ્યે