પૃષ્ઠ:Thag.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨ : ઠગ
 

અનુભવ્યાં ન હતાં. ઠગના ધામમાં ઠગના આગેવાનનો વિશ્વાસ કરી હું આજે જ નહિ પણ અનેક વખત સૂતો હતો. એટલે ચિંતા રહિત બનેલો હું સૂઈ ગયો.

મને સરસ નિદ્રા આવી. આટઆટલા ભયંકર પ્રસંગોનો મને અનુભવ થયો હતો, છતાં આજે મેં સ્વપ્ન રહિત નિદ્રા અનુભવી. જાગ્રત થતા પહેલાં જે સ્વપ્ન આવ્યું તે પણ અત્યંત સુંદર હતું. આઝાદ, સમરસિંહ અને આયેશા એક સુંદર નાવમાં બેસી પસાર થતાં હતાં એમ મેં જોયું. એ નાવની આસપાસ આવેલી નદી અને નદીને વીંટી વળતી વનશ્રી જાણે. સ્વર્ગમાંથી કોઈ ઉપાડી લાવ્યું હોય એવો ભાસ આપતાં હતાં. બહુ જ સુખભર્યા ભાવથી હું જાગ્યો ત્યારે બે માણસોને વાત કરતાં સાંભળ્યાં. મને ખાતરી થઈ કે આઝાદ અને સમરસિંહ વાતો કરે છે.

મેં આંખ ન ઉઘાડી, મને લાગ્યું કે તેમ કરવાથી આ વાર્તાલાપ અટકી જશે.

‘હું ફકીર બનવા માગું છું.' આઝાદે કહ્યું.

‘તારી ભૂલ થાય છે. તને ખબર નથી કે મેં આયેશાને કેટલી વાર સમજાવી. હજી સંભવ છે કે તે માની જાય.' સમરે કહ્યું.

'હવે મને તારી મૂર્ખાઈ લાગે છે. આયેશા કદી મને ચાહશે નહિ.’

‘કેમ ?'

‘એ તને ચાહે છે માટે. તું જોતો નથી કે એ તારે માટે શું શું સહન કરે છે ?'

‘હું જોઈ શકું છું. પરંતુ એ જાણે છે કે હું તો જીવનભરનું બ્રહ્મચર્યવ્રત લઈ બેઠો છું.’

‘વ્રતની વાત જવા દે, તમારા જેવાં બે સરસ પ્રેમીઓ લગ્ન કરે એ જ વ્રતનું ફળ. મારી અદેખાઈ એકાએક ઓસરી ગઈ. આયેશાને પાણીમાં ફેંકતા બરાબર મને લાગ્યું કે મારા પ્રેમમાં કંજૂસની કંજૂસાઈ રહેલી છે. કંજૂસના ધનની માફક અદેખો પ્રેમ. જરાય ઉપયોગનો નથી. માટે જ હું આદર્શ ઠગ ન બની શક્યો. હું ફકીર બની હવે જીવનભર પશ્ચાત્તાપ કરીશ.’

‘હું તને ઓળખી શક્યો છું. તેં ગમે તે કર્યું હોય છતાં તારા હૃદયમાં રહેલી મર્દાનગી અને ઉદારતાનો હું પૂજક છું. મેં હથિયાર લીધું હોત તો હું કે તું આજે પાછા ભાઈ બની બેઠા છીએ તેમ બેઠા ન હોત.

થોડી વાર ઓરડામાં શાંતિ ફેલાઈ. મારાથી આંખ ઉઘાડી દેવાઈ.