પૃષ્ઠ:Thag.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪ : ઠગ
 

બંને પ્રેમીઓ જાણીને વિરાગી રહ્યાં હતાં ! આટલો પ્રેમ છતાં મેં ભાગ્યે જ એ બંનેને સામસામી આંખ માંડતાં જોયાં હોય. અંગ્રેજ પ્રેમીઓ આવા પ્રસંગે ભાગ્યે જ તેમનું પ્રદર્શન કર્યા વગર રહે, એટલે મારા ખ્યાલો તો બદલાતા હતા જ.

‘બીજું બધું સમજ્યો પરંતુ ચેતવણી શાની ?' મેં પૂછ્યું.

‘ચેતવણી ? હા, હું આપને સમજાવું. આપ જાણો છો કે ઠગ લોકોએ હજી સુધી કોઈ પણ ગોરા ઉપર ઘા નથી કર્યો.' સમરસિંહે કહ્યું.

‘મટીલ્ડાને તો ઊંચકી લાવ્યા છો !’ મેં વચમાં જ કહ્યું.

‘ખરી વાત. એ પણ એક ચેતવણી તરીકે. પ્લેફૅર સાહેબના ગુણઅવગુણ વિષે આપે કાંઈ સાંભળ્યું છે ?’

મારો પુરોગામી અમલદાર બાહોશ હતો છતાં તેની વિલાસ પ્રિયતા અમારા વર્ગમાં લશ્કરીનો વિષય બની ગઈ હતી. દેશી સ્ત્રીઓ તરફનો તેનો અનુરાગ તેની પત્નીની જાણમાં પણ આવ્યો હતો. પોતાની લશકરી સત્તાના જોરે તે સ્ત્રીઓને મેળવી શકતો, અને મોજીલા સેનાપતિ તરીકે ઓળખાવામાં માન સમજતો હતો. છતાં મેં કહ્યું : ‘એના અવગુણની ખબર નથી.'

‘તો હું આપને જણાવું. અમારા દેશની સ્ત્રીઓ બહુ ઝડપથી વેચાતી મળે છે એવો તેમને ભ્રમ હતો.'

‘એ ભ્રમ હતો કે ખરી વાત ? મેં વગર વિચારે પ્લેફૅરનો બચાવ કરવા માટે આખા હિંદના સ્ત્રીવર્ગ ઉપર આક્ષેપ મૂક્યો. સમરસિંહની આંખમાં પાછી ચમક દેખાઈ.

‘જે હોય તે. પણ એક વાત સમજવા જેવી છે. કાળી સ્ત્રીઓ તરફ જો આાંખ ફેંકાય તો ગોરી સ્ત્રીઓ માટે પણ એ અશક્ય નથી. કાળી સ્ત્રીઓ કદાચ વેચાતી મળે, સાથે ગોરી સ્ત્રીઓનું હરણ કરી શકાય છે એ ભૂલવા જેવું નથી. અમારો ઠગ લોકોનો એક જ ધર્મ હું આપને સમજાવી દઉં. જગતમાં ધન કે સત્તાના બળથી ખુલ્લી લૂંટ કરનારને અમે વારંવાર ચેતવણી આપીએ છીએ કે એ ખુલ્લી લૂંટ અનેક છૂપી લૂંટને જન્મ આપે છે. સારું થયું કે મટીલ્ડા હિંદી ઠગને હાથ ચઢી; હજી તે અંગ્રેજ રહી શકી છે. પ્લેફૅર સાહેબને એ વાતની સમજ પડે એ માટે અમારી બિરાદરી તેની પુત્રીને જ ઊંચકી લાવી.'

‘તમે આ વાત કબૂલ કરશો તો તમને સજા નહિ થાય ?' મેં જરા ગંભીરતાથી પૂછ્યું.