પૃષ્ઠ:Thag.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦: ઠગ
 


‘હું એને ઓળખી ગઈ છું. એ ગમે તે ભોગે મને મળવા તલપી રહે છે. એનો મને વિશ્વાસ નથી.'

‘એના સરખો પ્રેમી બીજો કોણ ? તારે માટે - તને પ્રસન્ન કરવા માટે એણે કેટકેટલાં કાર્યો કર્યાં તે તું જાણે છે. અલબત્ત, મેં એનાં કેટલાં કાર્યોને ફળીભૂત થવા ન દીધાં એ ખરું. મને એમાં ધર્મક્ષય લાગ્યો. છતાં હવે જ્યારે તે ફકીર થવા માગે છે ત્યારે...’

‘એને ફકીર થવા દે.'

‘નહિ. તું મને મેળવી શકીશ નહિ અને સાથે સાથે આઝાદને પણ ગુમાવીશ.'

‘તું તો મને મળ્યો જ છે...’

‘મારું વ્રત યાદ કર.'

‘તારું ગમે તેવું વ્રત હોય તોય તું મારો જ છે.'

‘હું આખા જગતનો બની જાઉ છું.’

‘મને મૂકીને નહિ. મને સાથમાં રાખીને.'

‘આયેશા ! આ ઘેલછા ક્યાં સુધી ચાલશે ?’

‘હું જીવીશ ત્યાં સુધી.'

‘ઋષિમુનિઓ ભૂલ્યા છે; તપશ્ચર્યાઓ ખંડિત થઈ છે. આપણે સાથે હોઈશું તો દેહ દેહને માગશે...’

‘ન ચાલ્યે દેહ આપવોયે પડે ! એ ભૂલ નહિ, તપશ્ચર્યાનું ખંડન નહિ, તપશ્ચર્યાનું એ આગળ પગલું.’

આ શબ્દોના ભાવ હું પૂરા સમજ્યો નહિ. ખ્રિસ્તીધર્મમાં પણ બ્રહ્મચારી અને બ્રહ્મચારિણીઓનું અસ્તિત્વ તો છે જ, પરંતુ બ્રહ્મચર્યભંગને તપશ્ચર્યાના એક આગળના પગલા તરીકે માનવા ભાગ્યે કોઈ તૈયાર થાય છે. સ્ત્રી-પુરુષના સંસર્ગને પાપ અને દુઃખના મૂળ તરીકે માનનાર ખ્રિસ્તીઓ હિંદવાસીઓના માનસનાં સૂક્ષ્મ સંચલન ભાગ્યે જ સમજી શકે. આ વિચિત્ર લાગતી ઉદારતા સાંભળી હું થોભી ગયો. મને કાંઈ નવો માર્ગ દેખાવા લાગ્યો. દેહની કોઈ પણ ચર્યામાં પાપ જોવું એમાં કશે ભૂલ થતી હોય એમ મને લાગ્યું. એટલામાં મને એથીયે વધારે ચમકાવનાર વાક્યો સંભળાયાં.

સમરસિંહે કહ્યું :

‘આપણે બાર વર્ષ છુટ્ટાં રહીએ. ગોરાઓ આપણને જીતી રહ્યા છે. એ ગોરાઓ હિંદી બની રહે તો આપણે તેમને ભેટીશું. એ ગોરાઓ