પૃષ્ઠ:Thag.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨ : ઠગ
 

માગણી અપ્રતિષ્ઠિત તો નહિ બને ? સ્ત્રીને પણ અતિ ઉગ્ર આવેગની ક્ષણો આવે છે.

‘કેમ, બહુ વિચારમાં પડ્યો ?' આયેશાએ શાંત બની ગયેલા સમરસિંહને પૂછ્યું.

‘તારો ભય લાગે છે.'

‘પહેલી જ વાર ?’

‘ના. તને પ્રથમ મળ્યો ત્યારથી આ ક્ષણ સુધી તારો ભય લાગ્યા જ કરે છે.'

'કારણ ? હું ભયપ્રદ છું ?'

‘શક્તિ સદાય ભયપ્રદ છે : તે સુંદર હોય છતાં.’

‘અને જેમ વધારે સુંદર તેમ વધારે ભયપ્રદ, નહિ ?’

'હં'

‘તો હું સુંદર છું, ખરું ?’

‘સૌન્દર્યની પ્રતિમા.’

‘અમે મુસ્લિમો પ્રતિમાને પૂજતા નથી એ તું જાણે છે ને ?’

‘હા. માત્ર ભવાનીની મૂર્તિ સિવાય.'

‘બધાય ભવાનીને નથી પૂજતા.'

'અમે મૂર્તિઓ ભાંગીએ તે તું જાણે છે ને ?'

‘બધાય નહિ. કેટલાક.'

‘હું આજ મૂર્તિભંજક બનીશ.’

‘એટલે ? તું વિચિત્ર વાતો કરે છે.’

‘મને સૌન્દયની પ્રતિમા કહે છે, નહિ ?’

'જરૂર'

'ત્યારે જો, પ્રતિમાને હું તોડી નાખું છું !’

એકાએક આછા અજવાળામાં વીજળી ચમકી હોય એવી કોઈ તેજફણા ચમકી. પરંતુ ચમકતા બરોબર તે ઊંચે ઊડી અને પથ્થર ઉપર ખણખણ કરતી પડી. તેજ આવું ઘન હોય ? એકાએક મને ખ્યાલ આવ્યો. કોઈ નાનકડી કટાર સરખું હથિયાર ટેકરા ઉપર પડયું હોવું જોઈએ.

‘શી મૂર્ખાઈ કરે છે ? હું તને આમ મરવા દઈશ ?’ સમરસિંહે કહ્યું. આયેશા ખડખડાટ હસી. કદાચ તેનું હાસ્ય પર્વતગૃહ સુધી પણ સંભળાયું હોય. આયેશા આત્મઘાત કરતી હતી ?