પૃષ્ઠ:Thag.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪ : ઠગ
 

બીજા પ્યાલામાં તું મને શરબત, પા. બસ, એથી વધારે કાંઈ નહિ. એમાં તો હવે ભય નથી ને ?’ આયેશા બોલી.

‘મને કશી જ હરકત નથી.’

‘તું હિંદુ મટી તો નહિ જાય ?’

‘હું એવો હિંદુ નથી કે મુસ્લિમના હાથનું પાણી પીતાં વટલાઈ જાઉં.’

‘લે, આ તારા હાથમાં. હું આ પ્યાલો મારા હાથમાં રાખું છું. પહેલો તને પાઉં. પછી તું મને પા.'

‘આપણે સાથે જ એકબીજાને પાઈએ.’

‘નહિ ફાવે. છતાં જેવી તારી મરજી. લે.’

‘તું મને પા અને હું તને પાઉં, ખરું ?

'હા. સમજ ન પડી ?'

‘આપણે આપણા હાથના જ પ્યાલા પી લઈએ તો ?'

‘એવી શરત નથી.'

‘અડધા અડધા...'

‘ટીપું પણ નહિ. હું કહું તેમ કર.’

‘મારા હાથનો પ્યાલો હું જ પી જઈશ...’

‘અરે.. અરે.. નહિ ?’ આયેશાની ચીસ સંભળાઈ અને કાચનો પ્યાલો પથ્થર પર પડી ફૂટી ગયો.

‘ચાલ, હવે આપણે બંને એક જ ધ્યાલામાંનો શરબત ચાખીએ.' સમરસિંહનો હસતો અવાજ સંભળાયો.

‘આ તે શું કર્યું ? મારી બાજી ધૂળમાં મેળવી.'

‘કટારથી ન મરાય તો ઝેરથી મરવાનો લાગ શોધ્યો ! અને તે મારે હાથે !’

‘મૃત્યુ પણ પ્રેમીનો હાથ બનીને આવે તો મને ગમે.'

એકાએક કોઈ તંતુવાદ્ય ઝીણો રણકાર કરી ઊઠ્યું. માનવહૃદયના ભાવ ઝીણા હોય છે છતાં આખી માનવજાતને એ ભાવ દોરે છે. કોઈ એવો જ ભાવ સૂરમાં સ્વરૂપ ધારણ કરતો હતો. પ્રથમના આછા રણકારે જાણે આકાશમાં તારા હાલી ગયા હોય એમ મને લાગ્યું, પછી એ રણકારમાં રુદનના પ્રલંબ પડઘા મને સંભળાયા. એટલામાં એક સૂરથી બીજા સૂર સુધીના સઘળા સ્વર ટુકડાઓને એક જ તંતુએ પરોવતી મીંડમાં હૃદયના ભાવની વધતી ઘટતી સામસામી આવી જતી તીવ્રતા મેં અનુભવી. વાદ્યની ઝડપ ધીમે ધીમે વધવા લાગી. વાદ્ય જાણે કાંઈ વાત કરતું ન હોય !