પૃષ્ઠ:Thag.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવ કવિતા : ૧૬૫
 

ઝણઝણાટભર્યું, એની કોમળ ખેંચ ઉપજાવતું, વિવિધતા છતાં કોઈ એક જ ઢબના તાલની - અરે સૂરની પણ - આજુબાજુ હાલતું, દોડતું, નાચતું આખું સૂરમંડલ પોતાના આંદોલનોને વિસ્તાર આપ્યા કરતું હતું. હું અને દિલાવર તો સ્વાભાવિક રીતે શાંત જ હતા. પરંતુ મૃત્યુનાં ઊંડાણ અને પ્રેમના શિખરો વચ્ચે ઝૂલી રહેલાં સમરસિંહ અને આયેશા પણ શાંત બની બેસી રહ્યાં હતા.

સૂરનાં આંદોલનો હોય છે એ હું જાણું છું; એ આંદોલનો મનને અસર કરે છે એ પણ હું જાણું છું, પરંતુ મનના સઘળા ભાવોને એકત્ર કરી એકાગ્ર બનાવી સૂરને આધીન બનાવી દે એ મેં અત્યારે જ અનુભવ્યું. હું હિંદી સંગીત સમજતો નહિ. આ પ્રસંગ પછી તે સમજવા મેં પ્રયત્ન કર્યો પણ હતો. છતાં મારા અશિક્ષિત માનસને આ વાદ્યે જે પરાધીનતા અર્પી તેવી પરાધીનતા - કહો કે એકાગ્રતા મેં કદી અનુભવી ન હતી. સુરાવલી જાણે સૂરજાળ રચી આખી સૃષ્ટિને - માનવસૃષ્ટિ સુધ્ધાં - પોતાના આવરણમાં ઢાંકી ન દેતી હોય !

કેટલી વાર સુધી આ સૂરજાદુ ચાલ્યો એ સમજ ન પડી. માનવ હૃદયના બધા ભાવને જગાડી એકત્ર કરી અંતે કોઈ વિચિત્ર શાંત મૂર્છામાં નાખતું આ વાદ્ય પડઘા પાડતું ક્યારે અટક્યું તે પણ સમજાયું નહિ. પૂર્વાકાશમાં રંગના ઢગલા થયે જતા હતા; સૂરનો અર્ક તો ત્યાં નહિ રેડાતો હોય ? સમરસિંહનો અવાજ સાંભળી હું જાગ્રત થયો અને સમજ્યો કે વાદ્ય બંધ થયું છે.

‘આઝાદ ! એક માગણી છે.' સમરસિંહે કહ્યું.

'શી ?'

‘મારી ચિતા સળગે અને ઠંડી થાય ત્યાં સુધી બીન વગાડવાનું વચન આપ, શી અદ્દભુત કળા !’

આઝાદ અમારી માફક ટેકરાને એક ખૂણે બેસી સમરસિંહ અને આયેશાની વાતચીત સાંભળતો હતો.

‘તમે બંને આબે હયાત પામો ! ચિતા કે કબર તમને ન હોય.' આઝાદે કહ્યું.

હું પણ ઊભો થયો. પ્રભાતની ઝાંખી રોશનીમાં હું દેખાયો.

‘સાહેબ તમે ક્યાંથી ?’ સમરસિંહે કહ્યું.

‘હું દિલાવર સાથે તમને શોધવા આવ્યો હતો.’ મેં કહ્યું.

‘મને ? હું સલામત છું - આયેશા સાથે.'