પૃષ્ઠ:Thag.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૂર્તિના ભેદ : ૧૭૧
 

થઈ પહોંચ્યા, મહા વિકરાળ ભવાનીની મૂર્તિ આખા મંદિર ઉપર ભયાનક છાપ પાડતી ઊભી હતી. વધારે માણસોની હાજરીમાં ભયાનકતા વહેંચાઈ ગઈ હતી. અત્યારે હું અને સમરસિંહ બે જ જણ ઉપર ભવાની પોતાની જીવંત આંખો કાઢી ઊભી હતી. મને સહજ થડકારો પણ થયો. ઘીનો દીવો બળતો હતો; નાળિયેરના ઢગલા વધારે મોટા થયા હતા. સમરસિંહ એ મૂર્તિ સામે થોડી ક્ષણ જોઈ રહ્યો અને પછી તેણે સહજ મસ્તક નમાવ્યું.

‘તમે ખરેખર આ ભયાનક મૂર્તિમાં માનો છો ?' મેં પૂછ્યું.

‘જગતમાં ભયાનકતા હશે ત્યાં સુધી આવી મૂર્તિઓ રચાયે જ જશે.’

‘પણ તમે તો તેનું પૂજન કરો છો.’

‘જગતમાં ભયાનકતા હોય, તેની મૂર્તિ રચાય, તો પછી તેની પૂજા પણ થાય જ ને ?'

‘હવે આ મૂર્તિની પૂજા કોણ કરશે ?'

‘અમારામાં મૂર્તિવિસર્જનનો પણ વિધિ છે. પૂજન ન થાય એમ હોય તો અમે એ મૂર્તિમાંથી દેવને અદૃશ્ય થવા પ્રાર્થના કરીએ, અને પછી અપૂજ રાખીએ.'

હું હસ્યો, કેવી અંધશ્રદ્ધા ?

‘આ મૂર્તિને કૈંક બલિદાન અપાયાં ! આ જ મૂર્તિએ સેંકડો વર્ષોથી અમને - હિંદુમુસલમાન ઠગને ભેગા રાખ્યા. આજે એ સત્ત્વ જતું રહ્યું.’ સમરસિંહે કહ્યું.

'કેમ ! દેવીને મૂર્તિમાંથી ઉઠાવી લીધાં ?’ હાસ્યવૃત્તિ ચાલુ રાખી.

'હા જી'

'હવે ?’

‘આવો. હું આપને આ મૂર્તિ પાસેથી જ એ સત્ય સમજાવું.’

મારો હાથ ઝાલી સમરસિંહ મને મૂર્તિ પાસે લઈ ગયો. પાસે જતો ગયો તેમ મૂર્તિની ભયાનકતા વધતી ગઈ. સમરસિંહે મારો હાથ ઝાલ્યો હતો. એ જ ઠીક હતું.

‘સ્લિમાન સાહેબ ! આપ ધારીને અમારાં દેવીની મૂર્તિ નિહાળો. એ મૂર્તિએ ભલભલા શૂરવીરોને ભયભીત કર્યા છે.’

હું જોઈ રહ્યો, થોડી વાર જોઈ રહ્યો. દેવીની આંખ, દેવીની જિહ્વા, દેવીનાં શસ્ત્ર ને દેવીનાં આભૂષણો, દેવીનું કદ અને આસપાસનું વાતાવરણ ખરેખર શૂરવીરોને પણ ભય પમાડે એમાં નવાઈ નહિ.