પૃષ્ઠ:Thag.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૂર્તિના ભેદ : ૧૭૩
 

મને લાગ્યું.

‘આાવો, સાહેબ ! મારી પાછળ દેવીનું સત અદૃશ્ય થયું છે.' કહી તેણે મને ઝાલી આગળ ઘસડ્યો. અર્ધ ખુલ્લા સ્તંભમાં નાનાં પગથિયાં હતાં. એ પગથિયાં પચીસેક હશે. ઊતરતાં એક બારણું ખૂલી ગયું. બારણા બહાર મોટો ચૉક હતો અને ચોંકની વચમાં એક નાનકડું દેવાલય હતું.

‘અહીં પણ ભવાની છે કે શું ?’

‘ભવાનીનું બીજું સ્વરૂપ.’

‘કાલિકા ?'

‘ના જી. અંબિકા-અન્નપૂર્ણા. આપને ગમશે.’

નાનકડા પણ સુંદર મંદિરમાં પ્રવેશ કરતાં અર્ધસ્મિતવાળી ધોળી અણિશુદ્ધ સૌન્દર્યભરેલી એક દેવીની મૂર્તિ દેખાઈ. એ દેવીમાં જરા પણ ભયાનકતાનો ભાસ ન હતો. મૂર્તિ સામે જોઈ રહેવું ગમે એવી સુંદર કારીગરી તેમાં હતી.

‘કેમ સાહેબ ! ઈસુની માતા સરખું આ અમારી માતાનું મુખ નથી. લાગતું ?’

મેરીની છબીઓ કે બાવલાં કરતાં આ દેવીનું સ્વરૂપ ઓછું વરદ ન હતું. મેં હા પાડી.

‘માતા અમે માગીએ એ આપે છે.'

‘એમ ?'

‘હા, જી; જુઓ આ માતાએ સાચવેલા ભંડાર.’

કહી સમરસિંહ ઘૂંટણીએ પડયો અને મૂર્તિના પગને અડક્યો. પગે અડકતા બરોબર ચૉકની ભીંતો ખસી ગઈ અને મોટા મોટા ઓરડાઓ જાળીઓ ભરેલા નજરે પડ્યા.

આ અમારો ભંડાર. માતાજીની આજ્ઞા હોય તો ઊઘડે. આમાં રાજ્યો ખરીદી શકાય એટલો ખજાનો છે, એટલું જવાહિર છે અને રાજ્યો તોડવા જેટલો લશકરી સરંજામ છે.'

હું આ દૃશ્ય જોઈ રહ્યો. સમરસિંહ સાચું જ બોલતો હતો.

‘શા માટે બિરાદરી બંધ કરી ? મેં પૂછ્યું.

‘આ ધન, આ શસ્ત્ર વાપરવાની અમારામાં બુદ્ધિ રહી નથી. માતાજીની આજ્ઞા થશે ત્યારે આ સર્વ વાપરનાર કોઈ મળી આવશે. હાલ તો આ ભંડારો દટાઈ રહેશે.'

‘તમે જાતે ઉપયોગ કરી શકતા નથી ?’