પૃષ્ઠ:Thag.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪ : ઠગ
 


‘ના જી. હું આજીવન સાધુ અને બ્રહ્મચારી, મારાથી આનો ઉપયોગ ન થાય.'

‘અમને સોંપો.'

‘આપને જરૂર નથી. ભંડારની કિંમત નથી, ભંડાર ભરનાર અને તેને વાપરનારની કિંમત છે. આજ આ બધી મિલકત મારી છે.'

‘આનું કરશો શું ?'

‘બંધ કરી મૂંગો બની જઈશ.’

મેં મન માન્યું ત્યાં સુધી આ ભંડાર જોયો. પછી સમરસિંહે કહ્યું :

‘હજી એક બીજું સાધન આપને બતાવ્યું નથી. માતાજીનો બીજો પગ પકડતાં ચારે પાસના રસ્તા થઈ જાય છે. અહીંથી દિલ્હી, આગ્રા, સુરત, પૂના, હૈદરાબાદ બધે જવાના જુદા જુદા માર્ગ છે.'

સમરસિંહે દેવીનો બીજો પગ પકડયો, અને ભંડારોના ઓરડાઓની જોડમાં આવેલી ભીંતોમાં નાની બારીઓ ઊઘડી આવી.

આ બધા સહુ સહેલા અને સીધા રસ્તાઓ છે. આ રસ્તાઓ મોટા રસ્તાઓ ઉપર પણ પડે, નદી, સરોવર કે વાવમાં પણ પડે અને વળી મસ્જિદ-મંદિરોમાં થઈને પણ જાય.' સમરસિંહે કહ્યું.

‘એના નકશા રાખો છો ?’

‘નકશા ? હું ! અમે દેવીનાં યંત્રો બનાવીએ છીએ. એ યંત્રોની પૂજા કરીએ છીએ. અધિકારી હોય તે આ યંત્રોમાંથી નકશા પણ ઉકેલી શકે છે.'

ધર્મ, કર્મકાણ્ડ, રાજ્ય અને જાસૂસી એક સ્થળે ભેગાં થતાં હું જોઈ શક્યો.

'હવે મારા અને તમારા જીવન વચ્ચે પડદો પડશે. આપની પ્રજા ભારે જિજ્ઞાસુ હોય છે; એટલે આ બાકી રહેલું રહસ્ય તમને બતાવ્યું.’

‘હજી તો ઘણું જાણવાનું બાકી છે.’

‘કેટલીક જિજ્ઞાસા નિરર્થક હોય છે. છતાં હું સમજી શકું છું કે આપને એકબે વાત સમજાવવી જોઈએ. આ સ્થળ રહસ્યસ્ફોટનનું છે. અહીં માતાજી સમક્ષ હું જે કહી શકીશ તે બહાર નહિ કહી શકું. આપ પૂછો.’