પૃષ્ઠ:Thag.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬: ઠગ
 


‘એ કેમ બન્યું ?'

'હું એક ટૂંકી વાર્તા કહું. આયેશાના પિતા ઠગબિરાદરીના પ્રમુખ નહિ તો પ્રમુખ પછીનું સ્થાન ભોગવતા હતા. આયેશા કેટલી કલામય છે એ તો તમે જોયું હશે. એને એના પિતાએ બીન શીખવવા માંડ્યું. એક યુવાન બીનકાર એક રજવાડામાંથી મળી આવ્યો. આ બીનકાર કલાકાર તો હતો જ; પરંતુ કલાકારોની નિર્બળતા - નિર્માલ્યતાથી રહિત હતો.'

‘એ જ આઝાદ ને ?'

'હા જી. આઝાદની કલા બિરાદરીને બહુ ઉપયોગી થઈ પડી. એની શક્તિ અને બુદ્ધિ, એને ઊંચે અને ઊંચે ખેંચતી ગઈ. એને આયેશા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો. આયેશાના પિતા અને ભાઈ બંનેને એમ લાગ્યું કે આમાં અયોગ્ય કશું થતું નથી.’

સમરસિંહ જરા શાંત રહ્યો. તેણે આસપાસ કારણ વગર દૃષ્ટિ ફેરવી. મેં વાતને ચાલુ કરાવવા પૂછ્યું :

‘તમને એ ન ગમ્યું ?'

‘આયેશાને એ ન ગમ્યું.’

'કારણ ?'

‘તમે સહજ સમજી શક્યા હશો જ.’

‘તમે વચ્ચે આવ્યા, નહિ ?’

‘જાણી જોઈને નહિ, પરંતુ થયું એમ જ. આયેશાએ પ્રતિજ્ઞા લીધી કે પરણવું તો મારી જ સાથે.’

‘તો તમે પરણ્યા કેમ નહિ ? તમે પણ આયેશા માટે કુમળી લાગણી ધરાવો છો.’

‘ઠગબિરાદરીના પ્રમુખે એક મોટો ભોગ આપવો પડે છે. એનાથી પરણી શકાય જ નહિ, એણે બ્રહ્મચર્યવ્રત લેવાનું હોય છે !’

‘એ તો મૂર્ખાઈ કહેવાય ! એથી લાભ શો ?’

‘એક જ લાભ. જગતના ભારેમાં ભારે પ્રલોભનથી એ દૂર રહી શકે. ધનનું, સત્તાનું, રાજ્યનું, કીર્તિનું પ્રલોભન. ભારે ખરું, પરંતુ એ સર્વ કરતાં વધારે તીવ્ર પ્રલોભન પુરુષને સ્ત્રીનું. એનાથી મુક્ત રહ્યા વગર પુરુષ પૂર્ણ ન્યાયી ન બની શકે. અને પ્રમુખ ન્યાયી ન હોય તો આખો સંઘ તૂટી જાય.'

સંપૂર્ણ તો નહિ પરંતુ ભારે સત્ય આ ઠગ ઉચ્ચારતો હતો. એમાં શક નથી. ધન, સત્તા, રાજ્ય, કીર્તિ એ સર્વનું બલિદાન આપવું સહેલું છે; સ્ત્રીના આકર્ષણ - પ્રેમ - નું બલિદાન આપનાર જગતમાં કેટલા નીકળી આવે ?