પૃષ્ઠ:Thag.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮: ઠગ
 

મળીએ કે ન મળીએ, પણ એક વાત ન ભૂલશો. પ્રજાને દેવી માની પૂજજો. પ્રજાને પ્રસન્ન રાખશો તો તે અન્નપૂર્ણા બનશે; પ્રજાને કુપિત કરશો તો તે ચંડી અને ભવાની બની તમને ખપ્પરમાં લેશે.'

અમે થોડીવારમાં અન્ય રસ્તે પાછા ફર્યા. મટીલ્ડાની સાથે મારે પાછા ફરવાનું હતું. મટીલ્ડાને પાછા ફરવાની અનિચ્છા હોય એમ સમજી શકાય એમ હતું. મને પોતાને જ અણગમો થતો હતો.

મિયાનામાં મટીલ્ડા બેઠી. હું થોડે સુધી ચાલવાનો વિચાર રાખતો હતો. સઘળા ઓળખીતા ઠગને મળી હું આગળ ચાલ્યો. સમરસિંહ અને આયેશા થોડે સુધી મારી સાથે ચાલ્યાં. આયેશાનું ભાવિ શું ?

તેણે પોતાનું ભાવિ નક્કી કરી લીધું હતું. બિરાદરી તૂટે એના કરતાં પોતે કુરબાન થવું વધારે સારું એમ માની તે પ્રિયતમને હાથે ઝેર પીવા તત્પર થઈ હતી. હવે એ પ્રસંગ ગયો. એટલે ?

‘સમરસિંહ જે કરશે તે હું કરીશ.’ આયેશાનો નિશ્ચય હતો.

'પણ એ તો અપરિણીત જીવન ગુજારશે.’

‘હું પણ તેમ જ કરીશ. એ પરણશે તે ક્ષણે હું પરણીશ.’ આયેશાએ આછા હાસ્યમાં ગંભીર ભાવ વ્યક્ત કર્યો.

‘સમરસિંહ ! આપણે તમારા વાઘને વીસરી ગયા.' મેં કહ્યું.

‘ના જી; એ જ્યાં ત્યાં આપણી સાથે જ છે. રાજુલ ! જો આ સાહેબને મળી લે.’ સમરસિંહે કહ્યું. અને કોણ જાણે ક્યાંથી એક વિકરાળ વાઘ અમારા માર્ગમાં આવી ઊભો. મને સહજ ભય લાગ્યો. હું તેના વાઘને ઓળખતો હતો, પરંતુ વાઘ મને ઓળખે એમ ન હતું. તે મારી નજીક આવવા લાગ્યો.

‘સાહેબ ! એ કાંઈ નહિ કરે.' આયેશાએ કહ્યું.

‘તોપણ મને ભય લાગે છે.' મેં હસતાં હસતાં કહ્યું અને જીવનભરની બહાદુરી ભેગી કરી પાસે આવેલા વાઘ ઉપર મેં હાથ ફેરવ્યો. ડોકું હલાવી મારી સામે વીજળી જેવી દૃષ્ટિ નાખી વાઘે એક બગાસું ખાધું.

‘સાહેબ ! બે પાઠ હું થોડા સમયમાં શીખ્યો. પ્રેમથી માનવી વશ થાય છે એ આઝાદે શીખવ્યો. પ્રેમથી હિંસક પ્રાણી પણ મિત્ર બને છે એ મને મારા રાજુલે શીખવ્યું. એ બચ્ચું હતો ત્યારનો મારો મિત્ર છે.’

‘અમે છૂટા પડ્યા. જીવનના એક અલૌકિક સ્વપ્નમાંથી જાગવું પડે અને જેવું દુઃખ થાય તેવું મેં અનુભવ્યું. મેં નિવેદનો કર્યા. ઠગ લોકોને વિખેરી નાખ્યા બદલ વિગતો લખી. તેમના અંદરઅંદરના ઝઘડાએ આપોઆપ