પૃષ્ઠ:Thag.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્ષો પછીનું અકસ્માત મિલન : ૧૭૯
 

અપાવેલો વિજય પણ મેં વર્ણવ્યો. છતાં આ નોંધમાં લખેલી હકીકત મેં ખાનગી જ રાખી. આમાંની કેટલીક વાત સરકારી દફતરે જાય તો મનાય પણ નહિ એવી હતી. અને સરકારી દફતરમાં માનવહૃદયના કઠણ - કુમળા ભાવવર્ણનની જરૂરે ક્યાં છે ?

પરંતુ મને તો દિવસો અને વર્ષો સુધી આ પ્રસંગનાં સ્વપ્નો આવ્યાં છે. સમરસિંહ, આયેશા, આઝાદ, ખાનસાહેબ, સર્વને મળવા માટે મેં ઘણા પ્રયત્નો કયાં પરંતુ એમાંથી કોઈ મને આ પછી જડ્યું નહિ. ઠગ લોકોના મથકની આસપાસ હું ખૂબ ફર્યો. માણસો દ્વારા તપાસ કરાવી; પરંતુ એ મંદિર, ભોંયરાં, મહેલ, મૂર્તિ કે ભંડાર કશું હાથ લાગ્યું નહિ. મારા વખાણનાં મેં ઘણાં ઘણાં વર્ણનો લખ્યાં હતાં; પણ આ પ્રસંગ પછી મને શંકા પડવા માંડી કે ઠગ લોકોનું વિસર્જન ખરેખર મારી શક્તિ અને યુક્તિને આભારી હતું કે નહિ.

એક વાત ચોક્કસ. ત્યાર પછી ઠગ લોકોના ઉપદ્રવો તદ્દન બંધ પડ્યા. ઠગને નામે રળી ખાતી કેટલીક ટોળીઓ પકડાઈ. એ ખરેખર આા લોકોના સંગઠ્ઠનનો વિભાગ ન હતી. હિંદ ભૂલી ગયું કે ઠગ જેવા લોકો હતા; સરકાર પણ ભૂલી ગઈ કે ઠગ લોકોના વિનાશ માટે તેણે અનર્ગળ દ્રવ્ય ખરચ્યું હતું, પરંતુ મને તો એ પ્રસંગ મારા જીવનનો ભવ્ય ટુકડો લાગતો હતો. મને લોકો સ્લિમાન ઠગી કહેતા હતા. એ સંભારણામાં તેઓ એક સત્યભાવને વ્યક્ત કરતા હતા. સમરસિંહની સાથે હું લાંબો સમય રહ્યો હોત તો હું પણ ઠગ બની ગયો હોત. મને એમના જીવનમાં એટલો રસ પડ્યો હતો, એટલો મોહ ઉત્પન્ન થયો હતો !

*
*
*


વર્ષો વીતતાં વાર લાગતી નથી. અનેક સ્થળે નોકરી કર્યા પછી હું લખનૌમાં રેસીડન્ટ બન્યો. મારી તબિયત લથડતી ચાલી અને સને ૧૮૫૬ માં મેં નિવૃત્તિ મેળવી. એ વર્ષે હિંદમાં કોઈ બેઠી અશાંતિ હું અનુભવતો હતો; કોઈ ભયાનક જવાળામુખી સળગી ઊઠશે. એમ મને થયા કરતું હતું. અવધના નવાબને ઉઠાડી ન મૂકવાની મારી સૂચના કંપની સરકારે માન્ય ન રાખી એટલે મેં નિવૃત્તિ માગી.

હું ચારે પાસ રાજકીય ઊથલપાથલનાં ચિહ્ન જોઈ શકતો હતો. હિંદને છોડીને જવા માટે મેં તૈયારી કરી અને મારી સાથે કેટલાંક ગોરાં સ્ત્રી-બાળકોએ સ્વદેશ આવવા માટે ઈંતેજારી દર્શાવી. મને લાગ્યું કે સ્ત્રીબાળકો જેમ બને તેમ હિંદમાંથી ચાલ્યા જાય તે વધારે સારું. કોઈ ગુપ્ત સાદ મને આ વાત સંભળાવ્યા જ કરતો હતો. એ અરસામાં મને મારા ઠગ