પૃષ્ઠ:Thag.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦: ઠગ
 

દિવસો ખૂબ યાદ આવ્યા. અને સમરસિંહને શોધી કાઢવાની તીવ્ર ઝંખના જાગી. આ અશાંતિમાં સમરસિંહ કાંઈ ચાવી તો નહિ ફેરવતો હોય ? લખનૌથી થોડી યુરોપિયન સ્ત્રીઓ તથા તેમનાં બાળકોને લઈ હું ઝડપથી જતો હતો. બળવો અને બળવાખોરો ક્યાંથી ફૂટી નીકળશે એ કહેવાતું નહિ, છતાં સ્ત્રીઓ અને બાળકોને કેન્દ્રમાંથી લઈ ગયા વગર છૂટકો ન હતો. સ્ત્રીઓ અને બાળકોને ફેરવવાં એ ઝડપી કાર્ય તો ન જ હોય.

ભય લાગતો હતો જ એટલામાં દૂરથી એક લશ્કરી ટુકડી અમારી સામે આવતી દેખાઈ. એ ટુકડી ઘણી મોટી હતી. આગળ જવાય એમ હતું નહિ, પાછા જતાં પણ પકડાઈ જવાની ધાસ્તી ચોક્કસ હતી. સ્ત્રીઓ અને બાળકોને એકલાં મુકાય એમ ન હતાં. સહજ દૂર એક બાજુએ ધજા ફરકતી દેખાઈ અને વૃક્ષો પાછળ કોઈ મકાન હોય એવો ભાસ થયો. અમે તે તરફ ફંટાયાં. કોઈ મકાનમાં રક્ષણ મળે તો અમે સહજ પણ ટકી શકીએ એમ હતું. સામી ટુકડી આવી પહોંચે તે પહેલાં અમારે ત્યાં પહોંચવાનું હતું. સ્ત્રીઓ ગભરાઈ ઊઠી; બાળકો રડવા લાગ્યાં, પરંતુ ગભરાયે કે રડ્યે કાંઈ વળે એમ ન હતું. મેં લશ્કરી ઝડપ માગી અને સ્ત્રીઓ તથા બાળકોને દોડાવ્યાં. સલામતીનો એટલો જ જેવો તેવો માર્ગ હતો.

મકાન પાસે આવતું ગયું. એ એક મંદિર હતું. પરંતુ અમારી સામે આવતી ટુકડી પણ માર્ગ બદલી એ તરફ જ આવવા લાગી. તેની ઝડપ ભારે હતી. અમે મંદિરના દ્વાર પાસે આવ્યાં નહિ એટલામાં તો ઘોડેસ્વારોએ અમને ઘેરી લીધાં. મહામુસીબતે સ્ત્રીઓ અને બાળકોને મંદિરના દ્વારમાં દાખલ કર્યા, અને અમે થોડા સૈનિકો દ્વારા આગળ સજ્જ બની ઊભા. હું વિચારમાં પડી ગયો. શું કોઈ બળવો શરૂ થઈ ગયો ? તેના પ્રાથમિક ચિહ્ન દેખાતાં હતાં ?

દેવાલયની આસપાસ આવેલી ધર્મશાળાના ઓટલા ઉપરથી એક ગૌરવર્ણની સ્ત્રી અમારી સાથેનાં સ્ત્રી-બાળકોનો ધસારો જોતી હતી. મને નવાઈ લાગી. યુરોપ કે કાશ્મિર સિવાય આવો ગૌરવર્ણ ભાગ્યે જ જોવામાં આવે છે. છતાં હું તો બચાવની તૈયારીમાં પડ્યો હતો. એટલે એ વિચાર આવીને ચાલ્યો ગયો.

'ઠેરો ! હથિયાર મૂકો.’ પક્ષના નાયકે કહ્યું.

‘કોણ છો તમે ?' મેં પૂછ્યું.

'દુશ્મન ! દરેક ગોરાના અમે દુશ્મન છીએ.'

‘સંભાળો, નહિ તો કપાઈ જશો.' મેં ધમકી આપી.