પૃષ્ઠ:Thag.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્ષો પછીનું અકસ્માત મિલન : ૧૮૧
 


‘જો કોણ કપાઈ જાય છે તે.' કહી તેમણે હથિયાર અને ઘોડા અમારા ઉપર નાખ્યા. એવા બળથી નાખ્યા કે અમારે બચાવ માટે બારણાંની અંદર ચાલ્યા જવું પડ્યું. બળવાખોરોના ધસારાએ બારણું પણ બંધ કરવા ન દીધું. ચૉકમાં ધાંધલ મચી રહ્યું. બાળકો અને સ્ત્રીઓ ગભરાઈ ચારેપાસ, દોડવા લાગ્યાં. એક સવારે ભાલો ઉગામ્યો અને એક સ્ત્રી ઉપર તાક્યો.

મંદિરમાંથી એક ઊંચો સાધુ બહાર આવ્યો, અને ગર્જીને બોલી ઊઠ્યો :

‘ફેંકી દે ભાલો ! શરમાતો નથી ? હથિયાર વાપરવા છેવટે સ્ત્રી જડી'

‘એકેએક ગોરાને કતલ કરીશું – ભલે સ્ત્રી, પુરુષ કે બાળક હોય.’ સવારે જવાબ આપ્યો.

‘ખબરદાર ! જો કોઈએ. આ સ્થળે હથિયાર વાપર્યું છે તો !’ સાધુના અવાજમાં અનિવાર્ય આજ્ઞા હતી. સવારે ભાલો પાછો લીધો. છતાં તે બોલ્યો :

‘અમારા સરદારનો હુકમ છે !’

‘કયા સરદાર ? નાના સાહેબ ?’ સાધુએ પૂછ્યું.

મને સ્વપ્નને પણ ખ્યાલ ન આવતો કે ગોરાઓને અનેક ખાણાં આપતા નાનાસાહેબ પેશ્વાનો આ અશાંતિમાં કાંઈ હાથ હોઈ શકે.

‘તમારે શું કામ છે ?' બીજા કોઈ સવારે કહ્યું.

‘મારે કામ છે. તમારા સરદારને જાહેર કરવું છે કે આવા કાયરો રાખ્યે તેમને જીત મળશે નહિ.’

એકાએક ઓટલા ઉપરથી બે સ્ત્રીઓ ઊતરી આવી. એક હિંદી લેબાસમાં હોવા છતાં તે અત્યંત પ્રભાવશાળી લાગતી હતી. સાધુને અને આ બંને સ્ત્રીઓને મેં ક્યાંઈ જોયા હશે ? મને વિચાર આવ્યો.

‘અમારા કામમાં તમે વચ્ચે ન પડો.' એક સૈનિકે કહ્યું.

‘આ દેવદ્વારમાં શસ્ત્ર નમાવો, નહિ તો તમે અપરાધી બનશો.’ એ સ્ત્રીએ કહ્યું.

‘અમે તો હુકમને આધીન.’ સિપાઈએ કહ્યું.

‘અહીં હુકમ દેવનો. જીવવું હોય તો હથિયાર મૂકી દો.’ કહી સાધુએ શંખધ્વનિ કર્યો.

એ શંખના ઘોરથી બધા સ્તબ્ધ બની ગયા. સહુને લાગ્યું કે આ ધ્વનિ કોઈ મોટા સાધુઓના સૈન્યને ખેંચી લાવશે. હથિયાર વાપરતા સૈનિક