પૃષ્ઠ:Thag.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ પહેલું
ઠગ અને ભેદી ટોળીઓ

માનવજાતના ઇતિહાસમાં ભેદી ટોળીઓએ ભજવેલો ભાગ વીસરવા જેવો નથી. ભેદ અને ભેદના રહસ્ય જાણવાની માનવીની આતુરતાએ માનવી પાસે અનેક વિચિત્ર કાર્યો કરાવ્યા છે. સંસ્કૃતિની પ્રાથમિક ભૂમિકા આવા ભેદને મહત્ત્વ આપે છે એમ નહિ, સુધરેલા-સુધારાની ટોચે પહોંચેલા કહેવાતા દેશોમાં પણ ગુપ્ત ટોળીઓ અસ્તિત્વમાં છે. સુધરેલી સરકારો છૂપી પોલીસ રાખે છે, છૂપા દૂતો રાખે છે. અને પ્રજહિતનું બહાનું આગળ કરી રાજકીય બાબતોને છુપાવી રાખે છે. વ્યવસ્થિત, શસ્ત્રસjજ સરકાર પણ આમ ભેદને પોષે છે.

માનવજીવન તો ભેદમય છે જ, પરંતુ માનવી જીવે છે તેય અનેક ભેદપરંપરા વચ્ચે. જીવન, જન્મ, મરણ : સૂર્ય, ચંદ્ર, રાશિ અને નક્ષત્ર : પંચતત્ત્વની પ્રકૃતિ અને પંચેન્દ્રિયની આંટીઘૂંટી વચ્ચે ઉદ્દભવતું માનસ : રાજ્ય, વાણિજ્ય, ન્યાય : ધર્મ અને પ્રેમ : વેર અને વહાલ : માનવીને જેટલા અણુ છે એના કરતાં પણ વધારે ખેંચાણોએ તેને ઘડ્યો છે. ભેદ એ તેના જીવનનો મોટો ભાગ છે.

માનવીને છુપાવવાનું પણ કેટકેટલું છે ? એને દેહ છુપાવવો પડે છે, એના ભાવ છુપાવવા પડે છે. એનાં કૃત્યો છુપાવવા પડે છે - સભ્ય સમાજમાં પણ. જેમ સભ્યતા વિશેષ તેમ છુપાવવાનુ વધારે. કદાચ છુપાવવાના ભાવ અને કાર્યની વિપુલતા ઉપર જ સભ્યતાનો આધાર તો નહિ રહેતો હોય ?

વયકક્ષા(Age-grades) અને ગુપ્તજ્ઞાન

સમાજને ઐતિહાસિક દૃષ્ટિએ જોવાની આ યુગમાં આપણને ટેવ પડી ગઈ છે. એ ટેવ આપણને સ્પષ્ટ વિચાર કરવાનો એક માર્ગ દર્શાવે છે - જોકે ઘણા વર્તમાન વલણોનું આરોપણ પ્રાચીનતામાં એથી સાચુંજૂઠું થતું હોય એવો સંભવ તો રહે છે જ. કુટુંબ, કુલ, ગોત્ર (Clan) અને જાત (tribe)