પૃષ્ઠ:Thag.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬: ઠગ
 

માનવજાત પ્રાથમિક ભૂમિકામાંથી આગળ વધે છે અને રાજ્ય, ધર્મ, શાસન, પ્રજાભાવના, વર્ણભેદ પણ વિકસિત બનતાં જાય છે. વિકસિત ભૂમિકામાં વ્યક્તિ અને સ્થિર સમાજતંત્ર અગર તેના કોઈ સમૂહ વચ્ચે વિરોધ ઊભા થાય છે, સમાજવિરોધી ગુપ્ત વિચારો અને કાર્યોનાં બીજ રોપાય છે, અને તેમાંથી ગુપ્ત મંડળો અને ભેદી ટોળીઓનાં બંધારણ બંધાય છે.

ગુપ્ત મંડળો

ઉદેશ, અગર ઉદ્દેશ પાર પાડવાના માર્ગનું ચીવટાઈથી સચવાતું ગુપ્તપણું એ ગુપ્ત મંડળોનું એક મુખ્ય લક્ષણ. આ ગુપ્તપણું સાચવવા સંકેતશબ્દ, ગુપ્ત ભાષા, વિચિત્ર ક્રિયાઓ, વિચિત્ર પહેરવેશ અને આભૂષણ, સંકેતચિહ્ન, ભેદી મકાનો, ભેદભરી મૂર્તિઓ એ પ્રત્યેકનો જરૂર પૂરતો ઉપયોગ કરવામાં આવે છે, અને ગુપ્ત રહસ્ય સચવાય એવી બધી જ તરકીબો કરવામાં આવે છે. આ લક્ષણ વયકક્ષા (Age-grades)ની સંસ્થાઓમાં પણ હોય છે. અમુક જ્ઞાન, અમુક ક્રિયા, અમુક ઉંમરના માનવીઓ સિવાય કોઈને બતાવી શકાય નહિ; એ જ પ્રમાણે ગુપ્ત મંડળોના સંકેત એક મંડળના સભ્ય સિવાય કોઈને બતાવી શકાય નહિ. માત્ર બંને વચ્ચે મુખ્ય તફાવત એ જ કે વયકક્ષામાં અપાતું જ્ઞાન અમુક વયના સર્વ મનુષ્યોને અપાવું ફરજિયાત છે; ગુપ્ત મંડળોમાં વય ભેદ હોતા નથી, અને તેમાં પ્રવેશ મરજિયાત હોય છે.

ગુપ્ત મંડળોના આ મુખ્ય લક્ષણ સિવાય બીજા લક્ષણો ધ્યાનમાં રાખવા સરખાં છે.

કોઈ કોઈ મંડળોમાં મુખવટાનો ખૂબ જ ઉપયોગ થાય છે. મુખવટો માણસને બદલી નાખે છે. એ મુખપલટાથી મંડળનો સભ્ય સદેહે મૃત્યુ પામી નવા જીવનમાં આવ્યો, અને તેથી મૃત પિતૃઓ અને પૂજ્ય દેવતાઓ સાથે સંસર્ગમાં આવવાની લાયકાત તેણે પ્રાપ્ત કરી, એવી માન્યતા ઉપજાવી રહસ્યને ઘેરું બનાવવામાં આવે છે. દેવના અને પિતૃના આશીર્વાદ કે કોપ લાવવાની શક્તિનું આરોપણ કરવામાં આવતાં સભ્યો અને બિનસભ્યોમાં આ ભાવના જાદુ સરખી અસર કરે છે. પ્રાથમિક સમાજમાં વયકક્ષાનાં મંડળોમાંથી જ આ ગોપ્ય રહસ્યની ક્રિયાઓ ગુપ્ત મંડળોમાં દાખલ થઈ હોવી જોઈએ. પરંતુ સમાજ જેમ સુધરતો જાય છે તેમ વયકક્ષાના ભેદ અને ભેદને પોષનારી ક્રિયાઓને જતી કરે છે. પરંતુ ગુપ્ત મંડળો એવી ક્રિયાઓને