પૃષ્ઠ:Thag.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮: ઠગ
 

દેખા દે છે. વળી ધર્મને અંગે, જાતિભેદને અંગે, વ્યાપારને અંગે. ધનઉપાર્જનને અંગે, અગર મોજશોખને અંગે પણ ગુપ્ત મંડળો સ્થાપવામાં આવેલાં છે.

ખ્રિસ્તી, મુસ્લિમ, હિંદુ, બૌદ્ધ વગેરે ધર્મોની ચડતીપડતીના યુગમાં ધર્મઘેલછાને અંગે થયેલા જુલમો સર્વવિદિત છે. એ જુલમોથી બચવા, અગર પોતપોતાના મત કે માર્ગને શ્રેષ્ઠત્વ આપવાના ઝનૂનમાં અનેક ગુપ્ત મંડળો ઉદ્દભવ્યાં છે. એક જ ધર્મમાં મતભેદ ઊભા થાય છે અને એ મતભેદ અનુસાર મંડળો સ્થપાય છે. ગુપ્તપણાની જરૂર બેત્રણ સૂચના કરે છે : ગુપ્તપણું જુલમથી બચવા માટે હોય; પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે હોય, વેર લેવા માટે હોય, સમાજને અમાન્ય એવા વર્તનથી આનંદ લેવા માટે હોય; અને ત્રાસ વર્તાવી સામા પક્ષને ભયભીત બનાવવા માટે પણ હોય. નગ્નમંડળો શરીરશાસ્ત્રનો આશ્રય લઈ રચાય છે; વિલાસપ્રિયતા પોષવા માટે ભોગમંડળો રચાય છે; લૂંટવા માટે બહારવટિયા, ચાંચિયા કે સફાઈદાર ગુંડાઓ (Gangsters)નાં મંડળો રચાય છે; રાજ્ય મેળવવા શસ્ત્રધારીઓ અને મુત્સદીઓનાં મંડળો રચાય છે. દરેક મંડળમાં ગુપ્તપણું સચવાય છે, અને એ સાચવવા માટે વિસ્તૃત સંકેતમાલા અને ક્રિયાઓમાં એ ગુપ્તપણાને ગૂંથી દેવામાં આવે છે.

વળી આંતરરાષ્ટ્રીય બંધુભાવનાના ઉદ્દેશો ઉપર રચાયેલાં ગુપ્ત મંડળો પણ હોય છે, અને રાજ્ય કે સમાજનો વિરોધ ન હોય છતાં - રાજ્ય અને સમાજના આગેવાનો એવાં મંડળોના જાહેર સભ્યો હોવા છતાં - તેમાં કાંઈ પણ રહસ્ય છુપાયલું નથી એમ જાહેર રીતે કહેવા છતાં - તેનાં રહસ્ય કોઈ પણ ધર્મરહસ્યોના સરખાં જ ગુપ્ત રાખવામાં આવે છે. એટલું જ નહિ, એ રહસ્ય ના કહેવા છતાં એટલું આકર્ષક બનાવાય છે કે સહુની જિજ્ઞાસા ઉશ્કેરાઈ તેમાં પ્રવેશ પામવાની ઇચ્છા જ કરે. રોઝીકૃશિયન, મેસ્મરનાં મંડળો, થિયોસોફી - ખાસ કરીને તેનો (Esoteric) અપાર્થિવ માર્ગ અને ફ્રીમેસનરી : એ બધાં ધર્મમંડળો અગર બંધુત્વ વધારનારાં મંડળો એ જાણીતાં ગુપ્ત મંડળો છે. જર્મન યુદ્ધ પછી મૂળ અમેરિકામાં સ્થપાયેલું અને હાલ ખૂબ વિસ્તાર પામતું રોટરી - ચક્ર મંડળ હજી ગુપ્ત મંડળ બન્યું નથી, છતાં તેના સંકેત અને સભ્યો તરફથી તેને અપાતું મહત્ત્વ તેને ઝડપથી ગુપ્ત મંડળમાં ફેરવી નાખે તો નવાઈ નહિ.

ઈટાલી અને જર્મનીમાં ગુપ્ત મંડળો નાબૂદ કરી નાખવામાં આવ્યાં છે, અને ફ્રીમેસનરી સરખી એક વખત ફ્રાન્સ જેવા પ્રદેશ ઉપર રાજસત્તા ભોગવતી મંડળને પણ ગેરકાયદે ઠરાવવામાં આવી છે. બળજબરી,