પૃષ્ઠ:Thag.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦: ઠગ
 


આ ગુંડાઓએ ધીમે ધીમે પાકની સાથે બજારો પણ હાથ કરવા માંડ્યાં, અને તેને અંગે શહેરોમાં પણ તેમની પ્રવૃત્તિ ફેલાઈ. 'માફિયા’ ટોળીના હુકમ વગર જમીન કે માલ બજારમાં પણ વેચાતો બંધ થયો, તેમની મરજી વગર વ્યાપારીઓ માગણી કરતાં બીવા લાગ્યા, અને બીકને લીધે માગણીઓ પણ અટકી ગઈ.

આ મંડળીના ચોક્કસ નિયમો હતા અને તેમનું ચીવટાઈથી પાલન થતું. 'માફિયા’નો પ્રથમ નિયમ એ કે મંડળીના કોઈ પણ સભ્ય કોઈ પણ સંજોગોમાં સરકારી અદાલત કે સરકારી નોકરની સહાય લેવી જ નહીં. એ મંડળીનો બીજો નિયમ એ હતો કે કોઈ પણ ગુનાની સાક્ષી પૂરવી નહિ. પછી તે ગુનો મંડળીના સભ્યો વિરુદ્ધનો હોય કે ન પણ હોય. મંડળી સંબંધી, મંડળીનાં કાર્ય સંબંધી, મંડળીના ગુના સંબંધી સંપૂર્ણ વાચા રહીત બનવું એ તેમનો મુખ્ય સિદ્ધાંત. એ સિદ્ધાંતનું પાલન ન કરનારને ભારેમાં ભારે શિક્ષા મંડળી તરફથી થતી.

ધીમે ધીમે આ મંડળીનું જોર વધવા અને ફેલાવા લાગ્યું. બધા જ વર્ગોમાં તે મંડળીઓનો દાબ પડવા લાગ્યો. કેટલીક વાર તો લશ્કરના મોટા અમલદારોને 'માફિયા’ મંડળીની સહાય લેવી પડતી. છેક ઈ. સ. ૧૮૯૨ સુધી તેમનું જોર વધતું ચાલ્યું. રાજ્ય ચોંક્યું. અને તે સાલમાં લગભગ દોઢશો 'માફિયા’ સભ્યોને પકડવામાં આવ્યા. એથી તેમનું જોર ઘટવાને બદલે વધ્યું અને કેટલાક નાસી ગયેલા સભ્યોએ અમેરિકામાં એ મંડળ ફેલાવ્યું. અમેરિકાના ન્યુઑર્લીંઅન્સ શહેરની પોલીસના મુખ્ય અધિકારીનું 'માફિયા’ મંડળીએ ખૂન કર્યું. 'માફિયા’ સરખી ‘સ્ટોપાથેરા’ નામની બીજી છૂપી મંડળી સાથે ભયાનક મારામારી કરવાથી ડેવીડ હેનેસી નામના પોલીસ અધિકારીએ 'માફિયા’ વિરુદ્ધ સખત પગલાં લીધાં. તેને પરિણામે હેનસીનો જીવ ગયો. પકડાયેલા સભ્યો ઉપર કામ ચાલતાં જૂરીને એટલી ગભરાવવામાં આવી કે ઘણા 'માફિયા’ સભ્યોને છોડી દેવા પડ્યા.

પરદેશમાં પણ આમ ત્રાસ વતાવતી આ છૂપી મંડળી ઈટાલિયન સરકારના અનેક પ્રયત્નો છતાં નાબૂદ થઈ નહિ. અધિકારીઓ ‘માફિયા'ની સહાય વડે અધિકાર જાળવી રાખતા, અને આગેવાનો ચૂંટણીમાં તેની સહાય વડે વિજય મેળવતા, એટલે સરકારના પ્રયત્નો લગભગ નિષ્ફળ નીવડ્યા. જર્મન યુદ્ધમાં ઈટાલી છેવટે મિત્ર રાજ્યો સાથે જોડાયું. એ ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૧૮ સુધીના મહાયુદ્ધનાં ચાર વર્ષ 'માફિયા’ મંડળ ખૂબ જોરમાં આવ્યું, અને તેમની ગુનાભરી પ્રવૃત્તિઓ ઘણી જ વધી પડી. ઈ. સ. ૧૯૨૨માં મુસોલિનીની સરદારી નીચે ફાસિસ્ટોએ રાજસત્તા