પૃષ્ઠ:Thag.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ : ૧૯૩
 


ભેદી ભોંયરા, પીઠાં, મકાનો, કેદખાનાં, જુગારખાનાં, વિકાસ ગૃહો અને શસ્ત્રભંડાર ભોંયતળિયાની નીચે રચવામાં આવે છે અને સૂતેલાં શહેરોની નીચે એક આખું જાગતું શહેર રાત્રે અનેક પ્રકારનાં કાવતરાં અને અપરાધોમાં રોકાયેલું હોય છે. આ કાર્યમાં રોકાયલા બદમાશો બુદ્ધિમાન, ભણેલા, દેખાવડા, સંસ્કારશોભન પણ હોય છે. અને પોતાના આકર્ષક ગુણોનો ઉપયોગ કોઈને ઠગવામાં, રંજાડવામાં, લૂંટવામાં, મારઝૂડ કરવામાં અને અંતે ખૂન કરવા સુધીનાં કાર્યો કરી શકે છે. શરીર સશક્ત, દાવપેચમાં પાવરધા અને જીવ હથેળીમાં લઈ ફરનારા આ બદમાશોએ સાહિત્ય અને સિનેમાને પણ ખૂબ સાધનો પૂરાં પાડ્યા છે. પ્રખ્યાત વિમાની કર્નલ લીંડબર્ગના બાળકનું અપહરણ કરી ખૂન કરનાર હૉપ્ટમેન અને એવા જ બદમાશ અલકૅપૉનનો હમણાં જ ચાલેલો મુકદ્દમો સહુના ધ્યાનમાં હશે જ.

એ દેશની એક જબરજસ્ત ટોળીની સહજ વિગત તપાસીએ.

કલુ ક્લક્સ ક્લૅન નામની બે જુદી જુદી ટોળીઓ જુદા જુદા વખતમાં થઈ છે. એક ટોળી ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં - અમેરિકન આંતરવિગ્રહ પછી, અને બીજી ટોળી હાલમાં જ ઈ. સ. ૧૯૧૪-૧૫થી ૧૯૧૮ના જર્મન યુદ્ધના અરસામાં.

અમેરિકન આંતરવિગ્રહ ઉત્તર અને દક્ષિણ સંસ્થાનો વચ્ચે હબસી ગુલામોને આપેલા છુટકારાને અંગે ઊભો થયો હતો. હબસીઓના છુટકારાનો વિરોધ દક્ષિણ ભાગમાં વધારે ઉગ્ર હતો, અને આંતરવિગ્રહના શમન પછી અમેરિકાની કોંગ્રેસે કરવા ધારેલા રાજકીય સુધારાનો વિરોધ પણ દક્ષિણ ભાગમાં જ તીવ્ર હતો. હબસીઓ તરફના સદ્ભાવની સામે થઈ ગૌરવર્ણનાં લાભ સાચવવા માટે એક મંડળ ઊભું થયું. ઈ. સ. ૧૮૬પના અરસામાં એક સામાજિક મંડળ કેટલાક ગોરા યુવાનોએ ટેનેસીમાં ઊભું કર્યું. આ મંડળમાં દાખલ થવાનો વિધિ અજબ વિચિત્રતાવાળો હતો, અને સભ્યોનો પોશાક પણ તેવો જ હતો. આ વિધિ અને પોશાકની અસર વહેમી હબસીઓ ઉપર બહુ થઈ. અને તેમના અજ્ઞાન અને વહેમનો લાભ લઈ આ મંડળ અતિ વિસ્તાર પામ્યું. ગોરાઓના લાભ સાચવવા બીજા મંડળો ધવલ સંઘ (White League) અને અદૃશ્ય વર્તુળ (Invisible Circle) જેવાં સ્થપાયાં હતાં, એ સર્વ આ મંડળમાં સમાઈ ગયાં. કાળા વિરુદ્ધ ગોરાઓના લાભ સાચવવાના ઉદ્દેશથી સ્થપાયેલાં સર્વ મંડળો કલુ ક્લકસ ક્લૅન તરીકે ઓળખાતાં. તે બધાં એક જ નામની મોટી ટોળી બની ગયાં. ગોરાઓના લાભ સાચવવાના બધા જ પ્રયત્નો કરવામાં આવતા, અને કાળા હબસીઓને રંજાડવા માટે ગમે તેવા