પૃષ્ઠ:Thag.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮: ઠગ
 

ટોળી એ જ નામથી ઓળખાઈ. યુરોપથી ઇન્ગ્લૅન્ડ સુધી એ નામ પહોંચતાં શબ્દવિપર્યને લીધે 'હશીશ’ નામ ‘એસેસિન' બની ગયું, અને આજ સુધી ખૂન કરનાર માટે અંગ્રેજી ભાષામાં એસેસિન શબ્દ કાયમનો બની ગયો.

ધર્મ અને ધર્મ સાથે જોડાયેલી રાજસત્તાના આગ્રહ અને લોભના પરિણામે જન્મેલી આ મારાઓની છૂપી જંગ ટોળીએ ઈરાન, સીરિયા, અરબસ્તાન વગેરે પ્રદેશમાં હાહાકાર વર્તાવ્યો હતો. અગિયારમી સદીનાં પાછલાં વર્ષોમાં મુસ્લિમ ધર્મના ઇસ્માઈલી પંથમાં હસન - એ - સબ્બાહ નામનો એક પુરુષ જાગ્યો. ઇસ્માઈલી પંથ એ શિયા માર્ગનો એક ફાંટો છે. હિંદમાં પણ ઇસ્માઈલી પંથના વહેરાઓ જાણીતા છે. શિયા-સુન્નીના ઝઘડા મુસ્લિમ ધર્મમાં ઓછા ઉગ્ર નથી. આજ સુધી એ ઉગ્રતા હિંદમાં પણ ચાલી આવી છે - જોકે નવા રાષ્ટ્રીય જુવાળમાં ઊભી થયેલી હિંદુ વિરુદ્ધ મુસ્લિમ જાગ્રતિને અંગે એ ઉગ્રતા ઘટી ગયેલી દેખાય છે. આગાખાની પંથને ઇસ્લામ તરીકે એક વખત ન સ્વીકારતા મુસ્લિમોએ ના. આગાખાનને મુસ્લિમોના આગેવાન તરીકે સ્વીકાર્યા છે એ સૂચક ચિહ્ન છે. શિયાસુન્નીના વિરોધને અંગે હસને અનેક પ્રકારનાં કષ્ટ સહન કર્યાં, અનેક પ્રકારનાં સાહસો ખેડ્યાં અને અંતે કોહીસ્તાનમાં તે સ્થિર થયો. કોહીસ્તાનમાં રહીને તેણે ઇસ્માઈલી પંથમાં પોતાને રુચતો ફેરફાર કરી એ પંથ ફેલાવવો શરૂ કરી દીધો. એને ઘણા અનુયાયીઓ મળ્યા, અને તે સર્વને હસને એક છૂપી ટોળીમાં વ્યવસ્થિત કરી દીધા. યુક્તિપ્રયુક્તિથી હસને એક પર્વતદુંગ હાથ કર્યો, અને ટોળીના સરદાર તરીકે તેણે સલામતી મેળવી.

ઇસ્માઈલી પંથના સિદ્ધાન્તો હસનને માન્ય હતા, માત્ર તેની અને બીજા ઇસ્માઈલીઓની વચ્ચે હસને જ એક તફાવત દાખલ કર્યો : જેટલા તેના અને તેની ટોળીના દુશ્મનો હોય તે બધાયને છૂપી રીતે ખૂન કરી દૂર કરવા એ નવું તત્ત્વ તેણે સ્વીકાર્યું, અને આવાં ગુપ્ત ખૂન એ તેની ટોળીનું મુખ્ય લક્ષણ બની ગયું. આ ટોળીમાં પણ અધિકારશ્રેણી બહુ સફાઈપૂર્વક ખીલી નીકળી હતી. પ્રમુખના હાથમાં સર્વ સત્તા હતી, અને એનું અધિકાર નામ ‘શેખ અલ જવાબ' એટલે ‘પર્વતવાસી વડીલ' રાખવામાં આવ્યું હતું. ટોળીના કાર્યપ્રદેશને ત્રણ પ્રાંતોમાં વહેંચી નાખવામાં આવ્યો હતો, અને દરેક પ્રાંતમાં ઉપરીને દાઈ - અલ - કીરબાલ અગર મુખ્ય વડીલ તરીકે ઓળખવામાં આવતો. પ્રમુખના હાથ નીચે આ ત્રણ મુખ્ય વડીલો રહેતા અને પ્રમુખના સલાહકાર મંત્રીમંડળનું કામ પણ કરતા હતા. એથી