પૃષ્ઠ:Thag.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ : ૧૯૯
 

ઊતરતી શ્રેણીના અધિકારીઓ દાઈ અગર નેતા તરીકે ઓળખાતા. આ નેતાઓ ગુપ્ત મંડળની બધી ક્રિયાઓ, સિદ્ધાન્તો અને કાર્યક્રમથી વાકેફ હતા અને તેઓ ગુપ્ત મંડળનો પ્રચાર કરવામાં રોકાતા. ચોથી શ્રેણીના સાધકો 'રફીક' તરીકે ઓળખાતા. તેઓ ફિદાઈ - સૈનિકો તરીકે કામ કરી પક્વ થયેલા સાધનામાં ધીમે ધીમે દાખલ થતા વચલા વર્ગના અર્ધ દીક્ષિતો હતા. પાંચમા તેમના કર્મચારીઓ - ફિદાઈ - ભક્તો - આવતા હતા જેમને રક્ષણનું અગર ખૂનનું કામ સોંપવામાં આવતું હતું. ફિદાઈ શ્રેણીમાં મોટે ભાગે ભાવનાશીલ અને શક્તિશાળી યુવાનો લેવામાં આવતા. તેમની પાસેથી ભારેમાં ભારે સંયમ અને આજ્ઞાંકિતપણું ઇચ્છવામાં આવતાં હતાં, અને આ કોટીમાં સંપૂર્ણતા મેળવ્યા પછી તેમને ઉપલા વર્ગમાં દીક્ષા ખાતર ચઢાવવામાં આવતા. ટોળીને નામના અપાવનારો આ જ વર્ગ. છઠ્ઠા વગમાં મુમુક્ષુઓ - વર્ગમાં દાખલ થવાની ઇચ્છા રાખનારા અદીક્ષિતો - લાસીક તરીકે ઓળખાતા, અને સાતમા વર્ગમાં મંડળી તરફ સહાનુભૂતિ રાખનાર સામાન્ય લોકોનો સમાવેશ થતો.

ધીમે ધીમે આ ટોળીની સત્તા જામવા લાગી. હસને લાંબા સમય સુધી સત્તા ભોગવી અને ટોળીને સ્થિર તથા વ્યાપક બનાવી. ઈ. સ. ૧૧૨૪માં હસનનું અવસાન થયું. ત્યાર પછીનાં પંદરેક વર્ષ સુધી આ ખૂની ટોળી જરા દબાતી રહી; ખુલ્લા યુદ્ધમાં તેને હાર મળવા લાગી. તેના કેટલાક કિલ્લાઓ હાથથી ગયા અને લૂંટાયા. આથી ઈરાનને બદલે ટોળીએ સીરિયામાં પોતાનું મુખ્ય મથક રાખ્યું, અને ત્યાં ગયેલી પ્રતિષ્ઠા પાછી મેળવી, ટોળીએ ઘણાં ખૂન કર્યા અને ખાસ કરીને બગદાદના બે ખલીફાઓનાં ખૂન કરવાથી આસપાસનાં રાજ્યસ્થાનો ગભરાઈ ઊઠ્યાં, અને ટોળીએ ભારે જોર પકડ્યું. ટોળીના અત્યાચારોથી સહુ ભયભીત બની ગયા. ઈ. સ. ૧૧૬૨ થી ૧૧૬૬ સુધીમાં સીરિયાની શાખા બીજી શાખાઓથી સ્વતંત્ર બની ગઈ. આ જ અરસામાં યુરોપમાં ખ્રિસ્તી રાજ્યો અને મુસ્લિમ સત્તા વચ્ચે જેરૂસલેમના કબજા બાબત ધર્મયુદ્ધો - ક્રુઝેડ - ચાલતાં હતાં. એ યુદ્ધમાંથી યુરોપનાં ખ્રિસ્તી લશ્કરોએ આ ખૂની ટોળીની હકીકત જાણી હતી. જાણીતા ખ્રિસ્તી ઉમરાવોમાંથી યુદ્ધમાં પ્રસિદ્ધિ પામેલ ત્રીપોલીના રેમંડ અને મોન્ટફેરાટના કોનરેડનાં ખૂન આ ટોળીના ફિદાઈઓએ જ કર્યાં હતાં.

તેરમી સદીના મધ્યમ ભાગમાં મધ્ય એશિયાનાં બૌદ્ધધર્મી ખાનોએ પશ્ચિમ એશિયા તરફ આક્રમણો શરૂ કર્યા. ચંગીઝખાનનું નામ તો જાણીતું છે જ. તેના પછી આવેલા મંગુખાનના હુકમથી હલાકુખાને બાર હજાર